ગુજરાત

સુરત SVNIT ખાતે આયોજિત ઈ-રક્ષક હેકેથોનના ગ્રાન્ડ ફિનાલેમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વિશેષ ઉપસ્થિતિ

માહિતી બ્યુરો,સુરત:શનિવાર: સુરત શહેર પોલીસ અને સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી (SVNIT)ના નેક્સસ યુનિટ દ્વારા આયોજિત ઈ-રક્ષક હેકેથોનના ગ્રાન્ડ ફિનાલેમાં નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને હેકેથોનના ભાગ લઈ રહેલ ૬ રાજ્યોની ૧૩થી વધુ યુનિવર્સિટીઓ સંલગ્ન કોલેજોની ૩૧ ટીમો દ્વારા સાયબર સિક્યુરિટી અને ડિજીટલ પડકારોના સોલ્યુશન માટે તૈયાર કરવામાં આવેલા પ્રોટોટાઇપ મોડેલ્સને નિહાળ્યા હતા.

નાયબ મુખ્યમંત્રીશ્રીએ દેશભરમાંથી SVNIT ખાતે આવેલા ૧૫૦થી વધુ યુવા ‘પ્રૉબ્લેમ સોલ્વર્સ’ એવા તકનીકી નિષ્ણાત વિદ્યાર્થીઓને સુરતમાં આવકારી જણાવ્યું હતું કે, ટેકનોલોજી જેટલી ઉપયોગી છે તેટલી જ તે પડકારો અને સમસ્યાઓ પણ સર્જે છે. મોટી કંપનીઓ દ્વારા વારંવાર હાર્ડવેર અને કેમેરાના મોડેલ બદલાય છે, જેથી સરકારી સિસ્ટમ પર બોજ ન પડે એ માટે વડાપ્રધાનશ્રીના વિઝન મુજબ હેકેથોન દ્વારા યુવા પ્રતિભાઓને પ્રોત્સાહિત કરી સોફ્ટવેર આધારિત ઉકેલો લાવવાની દિશામાં અમે આગળ વધી રહ્યા છીએ.

ટ્રાફિક સિગ્નલ પર નાગરિકોની માત્ર ૧૫ સેકન્ડ બચાવીને લાખો લોકોનો કિંમતી સમય અને ઈંધણ બચાવવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તથા કેમેરા ઇન્ટિગ્રેશન અત્યંત કારગર નીવડશે એમ જણાવી શ્રી સંઘવીએ સમગ્ર ગુજરાતના તમામ સીસીટીવી કેમેરાને એક જ ડેશબોર્ડ સાથે કનેક્ટ કરવાનું પોતાનું સ્વપ્ન હોવાનું જણાવ્યું હતું.

યુવાનોને સોશિયલ મીડિયા અને રૂટિન ચર્ચામાંથી આગળ વધીને સરકારી યોજનાઓનો અભ્યાસ કરવા અનુરોધ કરતા નાયબ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે, રાજ્ય સરકારની ઇન્ડસ્ટ્રિયલ અને સ્ટાર્ટઅપ પોલિસી, MSME અને સાયન્સ એન્ડ ટેકનોલોજી યોજનાઓ હેઠળ યુવાનોના સ્ટાર્ટઅપ સાહસો માટે ઓફિસ રેન્ટ, નાણાકીય સહાય અને OPEX સપોર્ટ કે જેમાં સ્ટાર્ટઅપ ઇન્ડિયા અંતર્ગત મળતી સહાય, સીડ ફંડ સ્કીમ, રોજિંદા ખર્ચ કે માર્કેટિંગ, ઓપરેટિંગ ખર્ચ, પગાર, ઓફિસ રેન્ટ, માર્કેટિંગ અને ક્લાઉડ સબ્સ્ક્રિપ્શન્સની સુવિધા અને વિશેષ કરીને મહિલાઓ માટે સરકારે ખાસ જોગવાઈઓ કરી છે એમ જણાવી યુવાનોના વિચારોને જમીન પર ઉતારવા માટે સરકાર ‘રિસ્ક પાર્ટનર’ તરીકે યુવાધન સાથે ઊભી હોવાનું સ્પષ્ટપણે જણાવ્યું હતું.

યુવાનોના આ ટેક સોલ્યુશન્સનો ઉપયોગ આવનારા દિવસોમાં એફ.આઈ.આર., સાયબર ક્રાઇમ ઉકેલવાની સરકારી પ્રક્રિયામાં કરવામાં આવશે એમ જણાવી તેમણે રાષ્ટ્રીય- આંતરરાષ્ટ્રીય સ્તરના સાયબર ક્રાઇમ રેકેટનો પર્દાફાશ કરવા બદલ સુરત સાયબર ક્રાઇમ ટીમની સરાહના કરી હતી.

પોલીસ કમિશનરશ્રી વાબાંગ જમીરે કહ્યું કે, ઈ-રક્ષક હેકેથોન એ સુરત શહેર પોલીસ, SVNIT ના NEXUS યુનિટ દ્વારા સંયુક્ત રીતે આયોજિત સાયબર સિક્યોરિટી અને ઇનોવેશન હેકેથોન છે. આ હેકેથોનનો મુખ્ય ઉદ્દેશ્ય ડિજિટલ સુરક્ષા અને સાયબર ક્રાઇમને રોકવા માટે કોલેજના વિદ્યાર્થીઓ પાસેથી નવીન ટેકનોલોજીકલ સોલ્યુશન મેળવવાનો છે. જેમાં મોટી સંખ્યામાં યુવાધને જોડાઈને પોતાની પ્રતિભાને ઉજાગર કરી છે.

DCP (સાયબર ક્રાઇમ) વિશાખા જૈને સ્વાગત પ્રવચન કરતા કહ્યું કે, પોલીસ સ્ટેશનોમાં પ્રત્યક્ષ સર્વે કરીને સામાન્ય નાગરિકોને રોજિંદા જીવનમાં પડતી મુશ્કેલીઓ અને પોલીસની કામગીરીના પડકારોને ધ્યાને રાખીને આ હેકેથોનના ૯ થી ૧૦ પ્રૉબ્લેમ સ્ટેટમેન્ટ નક્કી કરવામાં આવ્યા હતા. સાયબર સ્માર્ટ અને સક્ષમ પોલીસિંગ માટે દેશભરની કોલેજોમાંથી ૪૫૮ વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યા હતા. જેમાંથી આજે ૩૧ ટીમોના ૧૫૦ વિદ્યાર્થીઓ સુરત ગ્રાન્ડ ફિનાલેમાં ભાગ લઈ રહ્યા છે.

આ પ્રસંગે રેન્જ આઈ.જી. શ્રી પ્રેમવીરસિંઘ, જિલ્લા કલેક્ટરશ્રી તેજસ પરમાર, મ્યુ. કમિશનર શ્રી રાજકુમાર બેનીવાલ, અધિક પોલીસ કમિશનર(સેક્ટર-૧)શ્રી બલરામ મીણા, અધિક પોલીસ કમિશનર(ક્રાઈમ) ડો.કરણરાજ વાઘેલા, મહિસાગરના એસ.પી. શ્રી શફીન હસન, કરણરાજ વાઘેલા, DCP વિશાખા જૈન, SVNITના ડિરેક્ટર પ્રો. અનુપમ શુક્લા, વરિષ્ઠ પોલિસ અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં યુવા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts