ભારતની રાષ્ટ્રીય એકતા, અખંડિતતા અને ગૌરવનું વૈશ્વિક પ્રતીક બનેલું સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર સાહેબની ૧૫૧મી જન્મજયંતિના અવસરે રોશનીના રંગોમાં ઝળહળી ઊઠવા સજ્જ છે. આગામી ૩૧ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ યોજાનારા રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી તેમજ ભારત પર્વ અને દીપોત્સવીના ઉત્સવી માહોલને વધુ યાદગાર બનાવવા એકતા નગર ખાતે ‘એકતા પ્રકાશ પર્વ-૨૦૨૬’નું ૧૭ ઓક્ટોબર, ૨૦૨૬થી ૧૫ જાન્યુઆરી, ૨૦૨૭ સુધી ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
ગત વર્ષે પ્રથમવાર યોજાયેલા એકતા પ્રકાશ પર્વને મળેલા અદ્ભુત પ્રતિસાદ અને સફળતાને પગલે આ વર્ષે ત્રણ મહિના સુધી આ પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. આ દરમિયાન એકતા નગરના મુખ્ય માર્ગો, ઇમારતો અને વૃક્ષો આકર્ષક રોશનીથી શણગારાશે. થીમ આધારિત લાઈટિંગ, ભવ્ય પ્રકાશ સજાવટ અને સરદાર સરોવર ડેમનો વિશેષ ડાયનેમિક લાઈટ એન્ડ સાઉન્ડ શો પ્રવાસીઓને એક અનોખી અનુભૂતિ કરાવશે.
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના ડ્રીમ પ્રોજેક્ટ તરીકે વિકસિત સ્ટેચ્યુ ઓફ યુનિટી આજે વિશ્વના પ્રવાસન નકશા પર ભારતની આગવી ઓળખ બની રહ્યું છે. સરદાર વલ્લભભાઈ પટેલની ૧૮૨ મીટર ઊંચી વિરાટ પ્રતિમા, નર્મદા નદીનો વિશાળ જળવિસ્તાર, સરદાર સરોવર ડેમ અને આસપાસની પ્રાકૃતિક સુંદરતા પ્રવાસીઓને સતત આકર્ષે છે.એકતા નગરમાં નાઈટ ટૂરિઝમને પ્રોત્સાહન આપવા લેસર શો, ડેમ લાઈટ એન્ડ સાઉન્ડ શો, નર્મદા મહાઆરતી અને યુનિટી ગ્લો ગાર્ડન સહિતનાં વિવિધ પ્રવાસન આકર્ષણો ઉપલબ્ધ છે અને એકતા પ્રકાશ પર્વ દરમિયાન વિશેષ ઇલ્યુમિનેશન અને થીમ આધારિત સજાવટથી એકતાનગરનું રાત્રિ સૌંદર્ય વધુ આકર્ષક બનશે.
દિવસ દરમિયાન સ્ટેચ્યુ ઓફ યુનિટીની ભવ્યતા, નર્મદા નદી વિસ્તારની પ્રાકૃતિક સુંદરતા અને પ્રવાસન સ્થળોનો આનંદ માણ્યા બાદ રાત્રે રોશનીથી ઝળહળતા એકતાનગરને નિહાળવાનો અનુભવ પ્રવાસીઓની સફરને વધુ યાદગાર બનાવશે.
એકતા પ્રકાશ પર્વ અંતર્ગત સમગ્ર એકતા નગરને બે મુખ્ય ભાગમાં વિશેષ લાઈટિંગ અને ઇલ્યુમિનેશનથી સજાવવામાં આવશે.
પ્રથમ ભાગમાં એકતા દ્વારથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીના આશરે સાત કિલોમીટરના માર્ગ પર લાઈટિંગ પોલ, ગેન્ટ્રી મોટિફ અને થીમ આધારિત પ્રકાશ સજાવટ કરવામાં આવશે. વિવિધ સરકારી યોજનાઓ, એકતાનગરનાં પ્રવાસન સ્થળો અને દેશની વિકાસયાત્રાને રજૂ કરતા આકર્ષક લાઈટિંગ આર્ટિકલ્સ દ્વારા માર્ગને વિશિષ્ટ ઓળખ આપવામાં આવશે. મુખ્ય માર્ગ પર આવેલી ઇમારતો અને વૃક્ષોને પણ રોશનીથી સુશોભિત કરવામાં આવશે.
બીજા ભાગમાં મુખ્ય માર્ગથી વેલી ઓફ ફ્લાવર્સ તરફ જતા માર્ગ સહિતના વિવિધ વિસ્તારોમાં અલગ-અલગ થીમ આધારિત લાઈટિંગ આર્ટિકલ્સ સ્થાપિત કરવામાં આવશે. પ્રકાશ, કલાત્મક સજાવટ અને આસપાસના કુદરતી વાતાવરણનો સમન્વય પ્રવાસીઓને નયનરમ્ય દૃશ્યોનો અનુભવ કરાવશે.
આમ, એકતા નગરમાં પ્રવેશથી લઈને સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીની સફર દરમિયાન પ્રવાસીઓને ઉત્સવના રંગો અને રોશનીની સુંદર અનુભૂતિ કરાવશે.
એકતા પ્રકાશ પર્વનાં અન્ય આકર્ષણ તરીકે સરદાર સરોવર નર્મદા ડેમ ખાતે ખાસ ડિઝાઇન કરાયેલો ડાયનેમિક ડેમ લાઈટ એન્ડ સાઉન્ડ શો રહેશે. ડેમ વ્યૂ-પોઈન્ટ-૧ પરથી નિહાળી શકાય તેવો આ શો રાત્રિના સમયે પ્રવાસીઓને ડેમના ભવ્ય સ્વરૂપનો અનોખો નજારો માણવાની તક આપશે.
વિશાળ ડેમ, નર્મદાના જળવિસ્તાર અને આસપાસના કુદરતી વાતાવરણ વચ્ચે રોશનીની આકર્ષક પ્રસ્તુતિ એકતા નગરના પ્રવાસમાં નવો અનુભવ ઉમેરશે. ખાસ કરીને રાત્રિ રોકાણ કરતા પ્રવાસીઓ દિવસ અને રાત દરમિયાન એકતાનગરનાં વિવિધ સ્વરૂપોને માણી શકશે.
એકતા પ્રકાશ પર્વનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતની વૈવિધ્યસભર સાંસ્કૃતિક ઓળખ, સમૃદ્ધ ઐતિહાસિક વારસો અને આધુનિક સિદ્ધિઓને એક જ મંચ પર ભવ્ય સ્વરૂપે રજૂ કરવાનો છે. આ પર્વમાં ભારતની રાષ્ટ્રીય ઓળખ, વિકાસ, ટેકનોલોજી, આરોગ્ય અને પરિવાર-કેન્દ્રિત અનુભવોને પ્રકાશ સજાવટ તથા થીમ આધારિત પ્રસ્તુતિઓ દ્વારા ઉજાગર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ આયોજન માત્ર પ્રવાસન આકર્ષણ પૂરતું મર્યાદિત નથી, પરંતુ દેશની એકતા, વિવિધતા અને પ્રગતિના સંદેશને વધુ વ્યાપક રીતે લોકો સુધી પહોંચાડવાનું માધ્યમ પણ બની રહેશે.
આજના ડિજિટલ યુગમાં પ્રવાસીઓના ફોટોગ્રાફ્સ, વીડિયો અને સોશિયલ મીડિયા પોસ્ટ્સ પ્રવાસન સ્થળોની ઓળખને દેશ-વિદેશ સુધી પહોંચાડવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. એકતા પ્રકાશ પર્વ દરમિયાન પ્રવાસીઓ રોશનીથી ઝળહળતા માર્ગો, થીમ આધારિત સજાવટ અને ડેમના રાત્રિદૃશ્યોની યાદોને પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરી શકશે અને ભારતના ગૌરવશાળી વારસાનો અનુભવ કરવા ઇચ્છતા પ્રવાસીઓ માટે એકતા પ્રકાશ પર્વ વિશેષ આકર્ષણ બની રહેશે.
આ અંગે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન સત્તામંડળના મુખ્ય કારોબારી અધિકારીશ્રી અમિત અરોરાએ જણાવ્યું હતું કે, દેશના લોખંડી પુરૂષ સરદાર સાહેબની ૧૫૧મી જન્મ જયંતિ તેમજ ભારત પર્વ અને દીપોત્સવી પર્વ દરમિયાન પ્રવાસીઓને એક અનોખી યાદગીરી એકતા નગરના પ્રવાસ દરમિયાન મળે તે માટે ભારત દેશના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીજીની પ્રેરણાથી એકતા પ્રકાશ પર્વનું આયોજન કરવામાં આવેલ છે. આ માટે સરદાર સરોવર નર્મદા નિગમના અધ્યક્ષ અને વહીવટી સંચાલકશ્રી તેમજ ચેરમેનશ્રી – સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન સત્તામંડળના મુકેશ પુરીના માર્ગદર્શનમાં SSNNL અને SoU વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે સઘન-સૂચારૂ આયોજન કરવામાં આવેલ છે.
વધુમાં સમગ્ર ભારતવાસીઓને આ સમય દરમિયાન એકતા નગરના પ્રવાસનું આયોજન કરી જીવનભરની યાદગીરી મેળવવા માટે પધારવા અપીલ છે. અહીં આવતા પ્રવાસીઓ મોબાઈલ સેલ્ફી, વીડિયો અને સોશિયલ મીડિયા દ્વારા લોકોને સરદાર સાહેબનો સંદેશો તેમજ વૈશ્વિક પ્રવાસન સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટીને જન જન સુધી પહોંચાડવામાં વધુ એક બળ મળી રહેશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
સરદાર સાહેબની ૧૫૧મી જન્મજયંતિએ રોશનીના અજવાળે ઝળહળી ઊઠશે વૈશ્વિક પ્રવાસન સ્થળ એકતા નગર




















Recent Comments