મોરબી જિલ્લાના નાગરિકોને નિષ્ણાત તબીબોની આરોગ્ય સેવાઓ ઘરઆંગણે મળી રહે તે હેતુથી ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત મયુર હોસ્પિટલ ખાતે જિલ્લાકક્ષાનો નિઃશુલ્ક મેગા હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો હતો. રાજકોટ એઈમ્સ અને મોરબી જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કેમ્પમાં એઈમ્સના ૪૫થી વધુ નિષ્ણાત તબીબો અને પેરામેડિકલ સ્ટાફે સેવાઓ આપી હતી. કેમ્પમાં મોટી સંખ્યામાં નાગરિકોએ આરોગ્ય તપાસ, રોગ નિદાન, તબીબી પરામર્શ અને જરૂરી દવાઓનો લાભ લીધો.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સેવાકાર્યની ઉજવણીના ભાગરૂપે યોજાઈ રહેલા આ અભિયાન અંતર્ગત નાગરિકોને આરોગ્યલક્ષી સેવાઓ સરળતાથી ઉપલબ્ધ કરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. રાજકોટ એઈમ્સના સભ્ય અને રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ યોજાયેલો આ પાંચમો કેમ્પ હતો.
નિષ્ણાતની સારવાર માટે અન્ય શહેરોમાં જવાની જરૂરિયાત ઘટશે
આ પ્રસંગે રાજ્યસભાના સાંસદ અને રાજકોટ એઈમ્સના સભ્ય કેસરીદેવસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે એઈમ્સ દેશની અગ્રણી આરોગ્ય સંસ્થાઓમાંની એક છે. રાજકોટ એઈમ્સના કારણે સૌરાષ્ટ્ર અને કચ્છના નાગરિકોને આધુનિક આરોગ્ય સેવાઓ સ્થાનિક સ્તરે મળી રહી છે. છેવાડાના વિસ્તારોમાં રહેતા નાગરિકો સુધી નિષ્ણાત તબીબોની સેવાઓ પહોંચે અને આર્થિક મુશ્કેલીને કારણે કોઈ સારવારથી વંચિત ન રહે તેવા હેતુથી આવા નિઃશુલ્ક કેમ્પ યોજવામાં આવે છે. ભવિષ્યમાં પણ નાગરિકોને આરોગ્ય સેવાઓનો લાભ મળે તે માટે આવા પ્રયાસો ચાલુ રાખવામાં આવશે.
PM-JAY હેઠળ આયુષ્માન કાર્ડ કઢાવવા અનુરોધ
રાજકોટ એઈમ્સના ડિરેક્ટર સી.એન. દોરાઈરાજને જણાવ્યું હતું કે અગાઉ સૌરાષ્ટ્ર અને કચ્છના નાગરિકોને ગંભીર બીમારીઓની સારવાર માટે અમદાવાદ કે વડોદરા સુધી જવું પડતું હતું.પણ હવે રાજકોટ એઈમ્સમાં કેન્સર સહિતની ગંભીર બીમારીઓના નિદાન અને સારવાર માટે આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ થવાથી નાગરિકોને મોટી રાહત મળી રહી છે.
તેમણે નાગરિકોને આયુષ્માન ભારત–પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PM-JAY) અંતર્ગત પોતાની પાત્રતા ચકાસી આયુષ્માન કાર્ડ કઢાવી લેવા અનુરોધ કર્યો હતો. પાત્ર લાભાર્થીઓને યોજનાના નિયમો મુજબ સૂચિબદ્ધ હોસ્પિટલોમાં કેશલેસ સારવારનો લાભ મળી શકે છે. તેથી નાગરિકોએ સારવારની જરૂર પડે તે પહેલાં જ કાર્ડ અને યોજનાની પાત્રતા અંગે માહિતી મેળવી લેવી જોઈએ. કાર્ડ કઢાવવા માટે નજીકના અધિકૃત આયુષ્માન કેન્દ્ર અથવા સરકારી આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા પણ અનુરોધ કરવામાં આવ્યો હતો.
કેમ્પ દરમિયાન મોરબીના મેયર ઉત્તમભાઈ સુરાણી, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, પૂર્વ સાંસદ મોહનભાઈ કુંડારિયા, અગ્રણી જયંતીભાઈ રાજકોટિયા, વાંકાનેરનાં મહારાણી સાહેબ, જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે, જિલ્લા વિકાસ અધિકારી વિદ્યાસાગર, મહાનગરપાલિકા કમિશનર સંગીતા રૈયાણી, જિલ્લા પોલીસ અધિક્ષક મુકેશ પટેલ, મયુર હોસ્પિટલના સંચાલક મનહરસિંહ જાડેજા, મહંત દામજી ભગત સહિતના મહાનુભાવો, અધિકારીઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.




















Recent Comments