દિવેલાના ઊભા પાકમાં ઘોડિયા ઈયળ, પાન ખાનાર ઈયળ, અને ડોડવા કોરી ખાનાર ઈયળના સંકલિત જીવાત વ્યવસ્થાપન માટે વિવિધ અસરકારક પગલાં લેવાની ભલામણ કરવામાં આવી છે. આ વ્યવસ્થાપન અંતર્ગત ખેડૂતોએ પાન ખાનાર ઈયળ અને કાતરાના ઇંડાના સમુહ તેમજ પ્રથમ અવસ્થાની ઇયળોને પાન સાથે વીણીને નાશ કરવો જોઈએ. દિવેલામાં ફૂલ અવસ્થાએ જીવાતના કુદાં આકર્ષી નાશ કરવા માટે રાત્રી સમયે પ્રકાશ પિંજર ગોઠવવા જરૂરી છે. આ ઉપરાંત, ઘોડીયા ઇયળ અને પાન ખાનાર ઈયળની નર કુદીઓને આકર્ષવા માટે વાવણી બાદ ખેતરમાં પ્રતિ હેક્ટરે ૮-૧૦ ફેરોમોન ટ્રેપ ગોઠવવા અને તેની ટોટી (લ્યુર/સેષ્ટા) દર ૧૫ થી ૨૦ દિવસના અંતરે બદલતા રહેવું. દિવેલાની ઘોડીયા ઈયળ કુદીઓની હાજરી જણાતા દર અઠવાડિયે એક લાખ પ્રતિ હેક્ટર મુજબ ટ્રાઈકોગ્રામા નામની ભમરીઓ છોડવી. જ્યારે પણ ખેતરમાં ઘોડીયા ઇયળો જોવા મળે ત્યારે બેસીલસ થુરેન્જીનેસીસ રોગપ્રેરક જિવાણુંનો પાવડર ૩૦ ગ્રામ પ્રતિ ૧૦ લિટર પાણી સાથે સાંજના સમયે છંટકાવ કરવો હિતાવહ છે.
જો ઘોડીયા ઇયળ ક્ષમ્ય માત્રા એટલે કે એક ઇયળ પ્રતિ છોડની મર્યાદા વટાવે, તો ક્લોરપાયરીફોસ ૨૦ ઈસી ૨૦ મિ.લી. અથવા ક્લોરાન્ટ્રાનિલિપ્રોલ ૧૮.૫ એસસી ૩ મિ.લી. દવાને ૧૦ લિટર પાણીમાં ભેળવી ૧૫ દિવસના અંતરે બે છંટકાવ કરવા. પાન ખાનાર ઇયળોમાં રોગ લાગુ પાડી સારું નિયંત્રણ મેળવવા માટે એન.પી.વી. વાયરસગ્રસ્ત ૨૫૦ ઇયળ એકમ દ્રાવણ પ્રતિ ૭૦૦ લિટર પાણીમાં મેળવી હેક્ટર વિસ્તારમાં છાંટવું. જો પાન ખાનાર ઈયળ અથવા ડોડવા ખાનારી ઈયળનો ઉપદ્રવ વધુ પ્રમાણમાં જણાય, તો ક્લોરાન્ટ્રાનિલીપ્રોલ ૧૮.૫ એસસી ૩ મિ.લી. અથવા એમામેક્ટીન બેઝોએટ ૫ એસજી ૩ ગ્રામ અથવા સ્પીનોસાડ ૪૫ એસસી ૩ મિ.લી. અથવા ફલ્યુબેન્ડામાઈડ ૩૯.૩૫ ટકા બે મિ.લી. દવા ૧૦ લિટર પાણીમાં ઉમેરી ૧૫ દિવસના અંતરે જરૂરીયાત મુજબ છંટકાવ કરવો.
ખેડૂતોને ખાસ જણાવવામાં આવે છે કે દવાના વપરાશ વખતે દવા ઉપર આપવામાં આવેલ લેબલ મુજબ જે તે પાક માટે, આપેલા ડોઝ અને જે તે રોગ કે જીવાત માટેની ભલામણ કરેલી દવા જ અનુસરવી. વધુ જાણકારી મેળવવા માટે ખેડૂતોએ પોતાના વિસ્તારના ગ્રામસેવક, વિસ્તરણ અધિકારી, ખેતી અધિકારી, તાલુકા અમલીકરણ અધિકારી, મદદનીશ ખેતી નિયામક, જિલ્લા ખેતીવાડી અધિકારી, નાયબ ખેતી નિયામક (વિસ્તરણ) અથવા નાયબ ખેતી નિયામક (તાલીમ) નો સંપર્ક કરવો તેમ જિલ્લા ખેતીવાડી અધિકારીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
















Recent Comments