ગુજરાત

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ સરદાર પટેલ યુનિવર્સિટી ની હોસ્ટેલોની લીધી આકસ્મિક મુલાકાત

ગુજરાત રાજ્યના માનનીય રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ વલ્લભ વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીની ‘નેહરુ બોયઝ હોસ્ટેલ’ તેમજ ‘એમ.બી.એ. એન.આર.આઈ. હોસ્ટેલ’ની આકસ્મિક મુલાકાત લીધી હતી. હોસ્ટેલ પરિસરની ઓચિંતી મુલાકાત સમયે જે જગ્યાઓ પર ગંદકી જોવા મળી તેને તાત્કાલિક અસરથી દૂર કરવા રાજ્યપાલશ્રીએ સૂચનાઓ આપીને હોસ્ટેલમાં સ્વચ્છતા બાબતે વિશેષ ધ્યાન દોર્યું હતું.

રાજ્યપાલશ્રીએ હોસ્ટેલના રેક્ટર તથા સુપ્રિટેન્ડેન્ટને હોસ્ટેલ પરિસર અને રૂમો સહિત વિવિધ જગ્યાઓએ નિયમિત સાફ-સફાઈ જાળવી રાખવા માટે સૂચના આપીને તાત્કાલિક સફાઈ ઝૂંબેશ હાથ ધરવા તાકીદ કરી હતી. તેમણે સ્પષ્ટ જણાવ્યું કે વિદ્યાર્થીઓ માટે આરોગ્યપ્રદ અને સુઘડ વાતાવરણ પૂરું પાડવું એ કોઈ પણ શૈક્ષણિક સંસ્થાની પ્રથમ પ્રાથમિકતા હોવી જોઈએ.

વિદ્યાર્થીઓ સાથેની વાતચીતમાં રાજ્યપાલશ્રીએ યુવા પેઢીના સર્વાંગી વિકાસ, ચારિત્ર્ય નિર્માણ અને સ્વસ્થ જીવનશૈલી પર ભાર મૂક્યો હતો. તેમણે યુવાનોને કોઈપણ પ્રકારના વ્યસનથી દૂર રહી સશક્ત અને સ્વસ્થ સમાજના નિર્માણમાં યોગદાન આપવા આહ્વાન કર્યું હતું. આ ઉપરાંત તેમણે વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે રાષ્ટ્રનિર્માણના કાર્યોમાં સક્રિય રહેવા પ્રેરણા આપી હતી.

આ મુલાકાત દરમિયાન સરદાર પટેલ યુનિવર્સિટીના કુલપતિશ્રી પ્રો. નિરંજન પટેલ, જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરી સહિત યુનિવર્સિટીના હોદ્દેદારો, હોસ્ટેલ સંચાલકો તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts