ગુજરાત

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષપદે આણંદ ખાતે એમઓયુ(MoU) લોંન્ચિંગ, એમઓયુ(MoU) એક્સચેન્જ, SHAH શિષ્યવૃત્તિ અને સેવા સંકલ્પ અભિયાન-‘નશામુક્ત યુવા ‘ કાર્યક્રમ યોજાયો

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને અને રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયાની વિશેષ ઉપસ્થિતિમાં વલ્લભ વિદ્યાનગર ખાતે આવેલ ઈપ્કોવાલા ઓડિટોરિયમમાં સરદાર પટેલ યુનિવર્સિટી અને સેમ્યુઅલ હેનિમેન એકેડેમી ફોર હોમિયોપેથી (SHAH) ના સંયુક્ત ઉપક્રમે એમઓયુ(MoU) લોંન્ચિંગ, એમઓયુ(MoU) એક્સચેન્જ, SHAH શિષ્યવૃત્તિ લોન્ચિંગ અને સેવા સંકલ્પ અભિયાન-‘નશામુક્ત યુવા ‘ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, હોમિયોપેથી અને આયુર્વેદ એ બંને એવી ચિકિત્સા પદ્ધતિઓ છે જે પ્રકૃતિની જેમ માણસના શરીરને નુકસાન પહોંચાડ્યા વગર સુરક્ષિત સ્વાસ્થ્ય પૂરું પાડે છે. વ્યક્તિના રોગ પાછળ તેના વિચારો અને માનસિક સ્થિતિ જવાબદાર હોય છે, અને હોમિયોપેથી દર્દીના મનના મૂળ કારણને પકડીને સાચો ઈલાજ આપે છે.

રાજ્યપાલશ્રીએ હોમિયોપેથીના જનક ડૉ.સેમ્યુઅલ હેનિમેનના કાર્યોને યાદ કરતા જણાવ્યું હતું કે હોમિયોપેથી એ માત્ર શરીરની ચિકિત્સા નથી પરંતુ તે મનની ચિકિત્સા છે. યુવા પેઢીને હોમિયોપેથીના માર્ગે જોડીને સ્વસ્થ સમાજનું નિર્માણ કરવાનો આ પ્રયાસની સરાહના કરી હતી. તેમણે તમામ તબીબો અને વિદ્યાર્થીઓને શુદ્ધ હોમિયોપેથી અપનાવીને નિરામય અને સ્વસ્થ સમાજ રચવામાં પોતાનું યોગદાન આપવા આહ્વવાન કર્યું હતું.

  આધુનિક યુગમાં અનિયમિત જીવનશૈલી અને ખોરાકની ભેળસેળ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરતાં રાજ્યપાલશ્રીએ જણાવ્યું કે, એલોપેથી દવાઓની સાઈડ ઈફેક્ટ્સ વધી રહી છે. વૈદિક પરંપરાના “તન્મે મનઃ શિવકલ્પમસ્તુ” મંત્રનો ઉલ્લેખ કરી તેમણે સમજાવ્યું કે ક્રોધ, ઈર્ષ્યા અને અસંતોષ જેવા માનસિક વિકારો જ શરીરને રોગગ્રસ્ત બનાવે છે. તેમણે યુવા પેઢીને હોમિયોપેથી સાથે જોડીને સ્વસ્થ સમાજ રચવાના આયોજકોના પ્રયાસને બિરદાવી તમામ તબીબોને શુદ્ધ હોમિયોપેથી અપનાવવા આહ્વાન કર્યું હતું.

  આ પ્રસંગે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ રાજ્યપાલશ્રીના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં થઈ રહેલી પ્રાકૃતિક ખેતીની ક્રાંતિને બિરદાવી હતી. તેમણે જણાવ્યું હતું કે, આયુર્વેદ અને હોમિયોપેથી જેવી સુરક્ષિત ચિકિત્સા પદ્ધતિઓ સાઈડ ઈફેક્ટ વગરનું આરોગ્ય આપે છે. રાજ્ય સરકાર અને વિવિધ યુનિવર્સિટીઓના સંયુક્ત પ્રયાસોથી હોમિયોપેથી તથા આયુર્વેદ ક્ષેત્રે થઈ રહેલા નવા સંશોધનો આવનારી યુવા પેઢી માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે અને તંદુરસ્ત સમાજના નિર્માણમાં સીમાચિન્હરૂપ બનશે.આરોગ્ય મંત્રીશ્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભારતીય સંસ્કૃતિમાં માણસ ૧૦૦ વર્ષ સુધી તંદુરસ્ત જીવન જીવે તેવી વૈદિક પ્રાર્થનાઓ અને આયુર્વેદિક સંશોધનો રહેલા છે. આજના સમયમાં એલોપેથી દવાઓની સાઇડ ઇફેક્ટ્સ સામે હોમિયોપેથી અને આયુર્વેદિક ચિકિત્સા પદ્ધતિઓ પ્રકૃતિની જેમ શરીરને નુકસાન પહોંચાડ્યા વગર સુરક્ષિત સ્વાસ્થ્ય પૂરું પાડે છે.

મંત્રીશ્રીએ આજના બદલાતા યુગમાં ખોરાક અને જીવનશૈલીની અનિયમિતતા પર ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આપણે આપણા સ્વાસ્થ્ય અને પરંપરાગત શુદ્ધ આહાર પ્રત્યે સજાગ બનવું પડશે. રાજ્ય સરકાર અને વિવિધ યુનિવર્સિટીઓના સંયુક્ત પ્રયાસોથી હોમિયોપેથી તથા આયુર્વેદ ક્ષેત્રે થઈ રહેલા આ નવા અભિગમો અને સંશોધનો આવનારી યુવા પેઢી માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે અને તંદુરસ્ત સમાજના નિર્માણમાં સીમાચિન્હરૂપ બનશે.

  કાર્યક્રમ દરમિયાન સેમ્યુઅલ હેનિમેન એકેડેમી ફોર હોમિયોપેથી (SHAH) ના સ્થાપક અને પ્રમુખ ડૉ. કૃતિક શાહે ગુજરાતની ૬ અગ્રેસર યુનિવર્સિટીઓ સાથે થયેલા MoU ની વિગતો આપતાં જણાવ્યું હતું કે, આ પહેલથી રાજ્યના ૨૦થી ૨૫ હજાર હોમિયોપેથી વિદ્યાર્થીઓને ફ્રી એજ્યુકેશન અને સ્કોલરશીપનો લાભ મળશે. આ સાથે તેમણે “બેટી બચાવો, બેટી પઢાવો, હોમિયોપેથીકી બેટી કો આગે બઢાવો” નો નારો આપી મહિલા સશક્તિકરણ અને હોમિયોપેથી ક્ષેત્રે મહિલા તબીબો આગળ આવે તે માટે વિશેષ ભાર મૂક્યો હતો.

  રાષ્ટ્રીય હોમિયોપેથી આયોગ (NCH), નવી દિલ્હીના અધ્યક્ષ ડૉ.તારકેશ્વર જૈને સી.બી.ડી.સી. (CBDC) કરિક્યુલમ દ્વારા શિક્ષણને ક્લાસરૂમથી બહાર લાવી ક્લિનિકલ પ્રેક્ટિસ સાથે જોડવાના પગલાને આવકાર્યો હતો. 

  ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) ગુજરાતના અધ્યક્ષ ડૉ. જીતેશ દેસાઈએ વિદ્યાર્થીઓ અને તબીબોને સંબોધતા સ્પષ્ટ કર્યું હતું કે, હોમિયોપેથી અને એલોપેથીનું મિશ્રણ એટલે કે ‘ક્રોસ પ્રેક્ટિસ’ સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે. દરેક તબીબી પદ્ધતિની પોતાની શક્તિ અને મર્યાદાઓ હોય છે. જે વિજ્ઞાનનો પૂરતો અભ્યાસ ન હોય તેમાં ક્રોસ પ્રેક્ટિસ કરવાથી નૈતિક રીતે દર્દીઓને નુકસાન થવાની શક્યતા રહે છે, તેથી તબીબોએ પોતાની વિદ્યાશાખા પર વિશ્વાસ રાખી શુદ્ધ હોમિયોપેથી પ્રેક્ટિસ કરવી જોઈએ તેમ વધુમાં તેમણે જણાવ્યુ હતુ.

  આ સમારોહ દરમિયાન રાજ્યપાલશ્રી અને મહાનુભાવોના હસ્તે ડૉ. કૃતિક શાહ દ્વારા લખાયેલ ‘ધ હેનિમેન્સ ડિજિટલ ઓર્ગેનન ઓફ મેડિસિન’ ઈ-બુકનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, મહિલા સશક્તિકરણ, ક્રોસ પ્રેક્ટિસ નાબૂદી, નવા તબીબોના માર્ગદર્શન અને શિક્ષકો માટેની એમ ૪ વિશેષ ‘SHAH Scholarship’ યોજનાઓ લોન્ચ કરવામાં આવી હતી.

  સમારોહના પ્રારંભમાં સરદાર પટેલ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. નિરંજનભાઈ પટેલે સ્વાગત પ્રવચન કરી સહુને આવકાર્યા હતા. કાર્યક્રમના અંતે રાજ્યપાલશ્રીના હસ્તે ઉપસ્થિત ૨૪ જેટલા અગ્રણી મહાનુભાવો અને તબીબોનું બહુમાન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે રાજપાલશ્રીએ ઓડિટોરિયમના પ્રાંગણમાં ઊભા કરાયેલ હોમિયોપેથી પ્રોડક્ટસના વિવિધ સ્ટોલ્સની મુલાકાત લીધી હતી.

  આ પ્રસંગે લોકસભા સાંસદશ્રી મિતેષભાઈ પટેલ, જિલ્લા કલેક્ટરશ્રી પ્રવીણ ચૌધરી, જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતિ, આણંદ કરમસદ મનપા કમિશ્નરશ્રી આર.એન.ડોડિયા, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ગૌરવ જસાણી, પ્રાંત અધિકારીશ્રી અંજલી ઠાકુર, વિવિધ યુનિવર્સિટીઓના વાઈસ ચાન્સલરશ્રીઓ, ટ્રસ્ટીશ્રીઓ, પ્રિન્સિપાલશ્રીઓ તેમજ તબીબો  અને આશરે ૧,૧૦૦થી વધુ તબીબી વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts