સાવરકુંડલા શહેર સમસ્ત માલધારી સમાજ દ્વારા સાવર સામા પાદર ગામના ગૌચરની જમીન વન વિભાગને વનીકરણ તથા નર્સરી બનાવવા માટે ફાળવવાના પાલિકાના નિર્ણય સામે સખત વિરોધ નોંધાવી રાજ્યપાલશ્રીને સંબોધીને મામલતદારશ્રીને એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે.
આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર, સાવર સામા પાદર ગામના ગૌચરના સર્વે નંબર ૪૫૨/૧ પૈકી ૧ ની કુલ ૪૦૭-૭૩-૫૦ ચો.મી. જમીનમાંથી ૧૫-૦૦-૦૦ ચો.મી. જમીન વન વિભાગને આપવા માટે સાવરકુંડલા નગરપાલિકા દ્વારા સંમતિ આપવામાં આવી છે. માલધારી સમાજનો આક્ષેપ છે કે સ્થાનિક માલધારી સમાજ કે સદસ્યશ્રીઓને વિશ્વાસમાં લીધા વિના અને કોઈ પણ જાતની વ્યાપક ચર્ચા કર્યા વગર બારોબાર આ નિર્ણય લેવામાં આવ્યો છે, જે અત્યંત અન્યાયી અને મનસ્વી છે.
માલધારી સમાજ મુદ્દાઓ આ પ્રમાણે છે. સાવરકુંડલાના સેંકડો માલધારી પરિવારો પોતાના પશુઓ સાથે આ ગૌચરની જમીન પર નભે છે. ખાસ કરીને ઉનાળાની વિષમ ઋતુમાં જ્યારે ઘાસચારો મેળવવો મુશ્કેલ હોય છે, ત્યારે આ ગૌચર જ પશુઓ માટે મુખ્ય સહારો બને છે.
તંત્ર દ્વારા એક તરફ ગૌચર ખુલ્લા કરવાની વાતો કરવામાં આવે છે, તો બીજી તરફ ઉપલબ્ધ ગૌચર વન વિભાગને સોંપી દેવામાં આવી રહ્યું છે. જો આ જમીન નર્સરી માટે ફાળવી દેવાશે તો પશુઓને ચરાવવા ક્યાં જવું? શું પશુઓને રોડ પર રખડતા મૂકી દેવા?
નગરપાલિકાના સભ્યોને પૂછ્યા વગર જ ‘કોઈ વાંધો નથી’ તેમ કહી જમીન ફાળવવાનો ગેરકાયદેસર ઠરાવ કરી દેવાયો છે. આ ઠરાવ કોના કહેવાથી અને કોના લાભ માટે કરવામાં આવ્યો છે તેની નિષ્પક્ષ તપાસ થવી જરૂરી છે.
માલધારી સમાજની સ્પષ્ટ માગણીઓ:
૧. ગૌચરની જમીન વન વિભાગને ફાળવવાનો સાવરકુંડલા નગરપાલિકાનો ગેરકાયદેસર ઠરાવ તાત્કાલિક અસરથી રદ કરવામાં આવે.
૨. સાવરકુંડલા શહેર અને આસપાસની તમામ ગૌચર જમીન માલધારીઓ અને પશુઓ માટે અનામત રાખવામાં આવે.
૩. પશુધનની સુરક્ષા અને માલધારી સમાજના હિતોને ધ્યાનમાં રાખીને ગૌચરની જમીન અન્ય કોઈ પણ હેતુ માટે ન ફાળવવાની કડક સૂચના તંત્રને આપવામાં આવે.
માલધારી સમાજે અંતમાં તંત્રને સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો આ બાબતે સત્વરે યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે અને માલધારી સમાજની ન્યાયિક માગણીઓ સ્વીકારવામાં નહીં આવે, તો સાવરકુંડલા શહેર સમસ્ત માલધારી સમાજ દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે, જેની તમામ નૈતિક અને કાનૂની જવાબદારી શાસન અને તંત્રની રહેશે.


















Recent Comments