અમરેલી

શ્રી એસ.વી.દોશી ગર્લ્સ હાઇસ્કુલમાં “પન્ના નાયક ફ્રી પેડ પ્રોજેક્ટ” અંતર્ગત સેનેટરી પેડ વિતરણ કાર્યક્રમ યોજાયો.

વિદ્યાર્થીનીઓના સ્વાસ્થ્ય અને વ્યક્તિગત સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવા તેમજ તંદુરસ્તી જાળવવાના ઉમદા હેતુ સાથે સાવરકુંડલાની જાણીતી શૈક્ષણિક સંસ્થા શ્રી એસ.વી.દોશી ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે ગઈકાલે તારીખ ૯/૬/૨૦૨૬ ના રોજ “પન્ના નાયક ફ્રી પેડ પ્રોજેક્ટ” અંતર્ગત એક ખાસ સેનેટરી પેડ વિતરણ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.

​કાર્યક્રમ દરમિયાન હાજર તમામ વિદ્યાર્થીનીઓને માસિક ધર્મ સંબંધિત સ્વચ્છતા, આરોગ્યની જાળવણી અને તે દરમિયાન રાખવામાં આવતી યોગ્ય કાળજી વિશે તજજ્ઞો દ્વારા વિસ્તૃત અને સચોટ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કિશોરીઓમાં આ વિષયને લઈને પ્રવર્તતી મૂંઝવણો દૂર કરી સ્વચ્છતા પ્રત્યે સજાગ કરવાનો અને તેમના આરોગ્યનું રક્ષણ કરવાનો એક મહત્વપૂર્ણ સંદેશ આ કાર્યક્રમ દ્વારા આપવામાં આવ્યો હતો. માર્ગદર્શન સેમિનાર બાદ શાળાની તમામ યોગ્ય વિદ્યાર્થીનીઓને સંસ્થા તરફથી નિઃશુલ્ક (ફ્રી) સેનેટરી પેડનું વિતરણ કરવામાં આવ્યું હતું.

​”વિદ્યાર્થીનીઓએ વ્યક્તિગત સ્વચ્છતા અને આરોગ્ય પ્રત્યે હંમેશાં સજાગ રહેવું જોઈએ. આવા આયોજનો દીકરીઓના સર્વાંગી વિકાસ અને સશક્તિકરણ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે.”

– ઉષાબેન બી. તેરૈયા (આચાર્યશ્રી, શ્રી એસ.વી.દોશી ગર્લ્સ હાઈસ્કૂલ)

​આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના સમગ્ર શિક્ષકગણ, વહીવટી સ્ટાફ અને સહયોગીઓએ ભારે જહેમત ઉઠાવી હતી. દીકરીઓના સ્વાસ્થ્યને કેન્દ્રમાં રાખીને કરાયેલા આ સરાહનીય કાર્યક્રમ બદલ વાલીગણ અને સ્થાનિક અગ્રણીઓએ શાળા પરિવારને અભિનંદન પાઠવ્યા હતા. સમગ્ર કાર્યક્રમ ખૂબ જ ઉત્સાહપૂર્ણ અને ગરિમામય વાતાવરણમાં સંપન્ન થયો હતો.

Related Posts