અમરેલી

અમરેલી સ્થિત શાંતાબા ઓડિટોરિયમ ખાતે પ્રભારીમંત્રી અને કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીની ઉપસ્થિતિમાં  ‘વિકસિત ભારત સંકલ્પ’ સંમેલન યોજાયું

કેન્દ્ર સરકારના સફળ ૧૨ વર્ષ પૂર્ણ થવાના શુભ અવસરે અમરેલી જિલ્લા વહીવટી તંત્ર ૨૧મી જૂન,૨૦૨૬ સુધી વિવિધ જનકલ્યાણલક્ષી કાર્યક્રમોનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ અન્વયે આજરોજ અમરેલી સ્થિત શાંતાબા ઓડિટોરિયમ ખાતે પ્રભારીમંત્રી અને કૃષિમંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીની ઉપસ્થિતિમાં ‘વિકસિત ભારત સંકલ્પ’ સંમેલન યોજાયું હતું.

આ સંમેલનમાં ઊર્જા રાજ્યમંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયા, સાંસદ શ્રી ભરતભાઈ સુતરીયા, ધારાસભ્ય સર્વ શ્રી જે.વી.કાકડીયા, શ્રી મહેશભાઈ કસવાલા, શ્રી જનકભાઈ તળાવીયા, પૂર્વમંત્રી શ્રી આર.સી.ફળદુ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારના છેલ્લા ૧૨ વર્ષનો સફળ કાર્યકાળ દેશ માટે અભૂતપૂર્વ પરિવર્તન, અદમ્ય વિશ્વાસ અને સર્વવ્યાપી વિકાસનું પ્રતીક રહ્યો છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દ્રષ્ટિવંત નેતૃત્વમાં કેન્દ્ર સરકારે દેશના દરેક નાગરિકના મનમાં એક નવો આત્મવિશ્વાસ જગાડ્યો છે. આ શાસનકાળ દરમિયાન દેશના આર્થિક, સામાજિક અને માળખાકીય ક્ષેત્રે ક્રાંતિકારી સુધારાઓ થયા છે. ડિજિટલ ઇન્ડિયા, સેલ્ફ-રિલાયન્ટ ઇન્ડિયા (આત્મનિર્ભર ભારત) અને મજબૂત વિદેશ નીતિ જેવા મહત્વના આયામોથી વૈશ્વિક પટલ પર ભારતની શાખ અનેક ગણી વધી છે. સરકારે જનતા વચ્ચે જઈને વહીવટમાં પારદર્શિતા લાવી દેશમાં સાચી લોકશાહી અને સુશાસનની સ્થાપના કરી છે. આ ઉપરાંત જનકલ્યાણલક્ષી વિવિધ સરકારી યોજનાઓનો લાભ છેવાડાના લાભાર્થી સુધી પહોંચ્યો છે.

‘વિકસિત ભારત સંકલ્પ’ સંમેલનમાં સંબોધન કરતા જિલ્લા પ્રભારીમંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું કે, વડાપ્રધાનશ્રીએ દેશમાં સાચી લોકશાહી પ્રસ્થાપિત કરવાનું કામ કરીને દેશને અનેકવિધ જનકલ્યાણ કેન્દ્રિત વિકાસકાર્યોની ભેટ અર્પણ કરી છે. લોકકલ્યાણલક્ષી વિવિધ યોજનાઓનો લાભ છેવાડાના માણસના જીવનમાં પરિવર્તન લાવી રહ્યો છે. સાથે અનેક સામાજિક અભિયાનો થકી દેશને એકતાના મજબૂત સૂત્રમાં બાંધવાનું કામ પણ વડાપ્રધાનશ્રીએ કર્યું છે, જેના થકી સમગ્ર વિશ્વમાં ભારતનો ડંકો વાગી રહ્યો છે. દુનિયા આજે ભારતની દરેક વાતને ગંભીરતાથી લઈ રહ્યું છે, આપણી આ વિકાસની યાત્રા થકી સમગ્ર દુનિયામાં ભારતના વિકાસની અને આપણી સહિયારી પ્રગતિની ચર્ચા છે.

ઊર્જા રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાએ જણાવ્યું કે,  વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૧૪થી અનેક પડકારો સામે લડીને દેશને વિકાસની યાત્રાએ આગળ ધપાવ્યો છે. હવે, વિકાસની નવી કેડી કંડારવામાં આવી છે. અમરેલી જિલ્લામાં પણ કરોડોના ખર્ચે વિવિધ વિકાસ પ્રકલ્પો આકાર પામી રહ્યા છે. શિક્ષણ હોય કે, આરોગ્ય, સરકાર દરેક ક્ષેત્રમાં હકારાત્મક પરિવર્તન લાવવાનો મજબૂત પ્રયાસ કરી રહી છે. વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં દેશ વર્ષ ૨૦૪૭ સુધીમાં વિકસિત રાષ્ટ્રનું સપનું સાકાર કરશે એ વિશ્વાસ હવે દ્રઢ બની રહ્યો છે.

રાજ્ય સરકારમાં પૂર્વમંત્રી શ્રી આર.સી.ફળદુએ જણાવ્યું કે, સમર્થ રાષ્ટ્રના નિર્માણ માટે સામર્થ્યની ઉપાસના કરવી પડે છે. આ ઉપાસના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સમગ્ર દેશવાસીઓ માટે કરી રહ્યા છે. તેમણે ઉમેર્યું કે, વડાપ્રધાનશ્રી મોદીએ દેશમાં વિશ્વાસનું તત્વ જીવંત કર્યું છે. આજે દેશના નાગરિકો અનેક સામાજિક ઉન્નતિના અભિયાનો સાથે સીધા જ જોડાઈને રાષ્ટ્રના કલ્યાણની વિભાવનાને સાકાર કરી રહ્યા છે.

આ તકે કૃષિમંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીએ કેન્દ્ર સરકારની સિદ્ધિઓની પ્રદર્શનીને અમરેલી સ્થિત સિનિયર સિટીઝન પાર્ક ખાતે ખુલ્લી મુકી હતી. ‘વિકસિત ભારત સંકલ્પ’ સંમેલનમાં જિલ્લામાં સ્પોર્ટ્સ ક્ષેત્રે ઉત્કૃષ્ટ દેખાવ કરનાર રમતવીરોને સન્માનિત કરવામાં આવ્યા હતા.

‘વિકસિત ભારત સંકલ્પ’ સંમેલનમાં અમરેલી જિલ્લા પંચાયતના હોદ્દેદારો, તાલુકા પંચાયત પ્રમુખ શ્રી વૈશાલીબેન માંગરોળીયા અને સભ્યશ્રીઓ, અગ્રણીશ્રીઓ, જિલ્લા વહીવટી તંત્રના અધિકારીશ્રીઓ, અમરેલી શહેર અને જિલ્લાના પ્રબુદ્ધ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts