સમગ્ર રાજ્યમાં કેન્દ્ર સરકારની સફળતાના ૧૨ વર્ષ- વિશ્વાસના, વિકાસના અને જનકલ્યાણની યશગાથાના ભાગરૂપે વિવિધ કાર્યક્રમોનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આ અંતર્ગત અમરેલી ખાતે પણ વિવિધ કાર્યક્રમો યોજાશે. આગામી તા. ૨૧ જૂનના રોજ જિલ્લાકક્ષાના આંતરરાષ્ટ્રીય યોગ દિવસ-૨૦૨૬ની ઉજવણી હાથ ધરવામાં આવશે. આજરોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવણીના પૂર્વ તૈયારીના ભાગરૂપે કોમન યોગ પ્રોટોકોલની તાલીમ શરૂ કરવામાં આવી હતી.
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અંતર્ગત અમરેલી જિલ્લામાં હાલમાં ૬૦થી વધુ નિ:શુલ્ક યોગ વર્ગો નિયમિત રીતે કાર્યરત છે. આ યોગ વર્ગો દ્વારા ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારોમાં યોગ પ્રત્યે જનજાગૃત્તિ વધારવાની સાથે નાગરિકોમાં સ્વસ્થ અને સકારાત્મક જીવનશૈલી વિકસાવવા મહત્વપૂર્ણ કામગીરી કરવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે, આગામી ૨૧ જૂન, આંતરરાષ્ટ્રીય યોગ દિવસ-૨૦૨૬ની ઉજવણી ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રીના માર્ગદર્શન અને પ્રેરણાથી સમગ્ર દેશમાં “Yoga for Healthy Aging” (સ્વસ્થ વૃદ્ધત્વ માટે યોગ) થીમ સાથે કરવામાં આવશે. આ વર્ષની થીમ, યોગ દ્વારા દરેક વયજૂથના લોકોમાં સ્વસ્થ, સક્રિય અને ગુણવત્તાસભર જીવનશૈલી વિકસાવવા પર કેન્દ્રિત છે.
જિલ્લાના તમામ નિ:શુલ્ક યોગ વર્ગોમાં કોમન યોગ પ્રોટોકોલ (CYP) ની વિશેષ તાલીમ શરૂ કરવામાં આવી છે. યોગ દિવસના મુખ્ય કાર્યક્રમમાં સમાવિષ્ટ યોગાસનો, પ્રાણાયામ, ધ્યાન અને અન્ય યોગિક ક્રિયાઓનો નિયમિત અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે.
તે ઉપરાંત યોગ દિવસ પૂર્વે જિલ્લામાં વિવિધ સ્થળોએ વિશેષ યોગ શિબિરો, જનજાગૃત્તિલક્ષી કાર્યક્રમો, સમૂહ યોગાભ્યાસ તથા યોગ પ્રચાર અભિયાનનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે. આ શિબિરો દ્વારા વધુમાં વધુ નાગરિકો સુધી યોગના લાભો પહોંચાડવાનો અને યોગને જનઆંદોલન સ્વરૂપે વિકસાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

















Recent Comments