ગત તારીખ ૨ ઓગસ્ટ, ૨૦૨૬ ને રવિવારના રોજ સાવરકુંડલા ખાતે શ્રી હમીરભાઈ હીરજીભાઈ વિંઝુડા રચિત ગદ્ય-પદ્ય રચનાઓના સંગ્રહ “પારસમણિ” પુસ્તકનો વિમોચન સમારોહ શ્રીમતી મીનાબેન પી. પડાયાના વરદ હસ્તે ઉત્સાહભેર યોજાઈ ગયો.
શ્રી હમીરભાઈ વિંઝુડાએ વર્ષ ૧૯૬૫થી ૧૯૯૯ સુધી સાવરકુંડલા સ્થિત મહિલા અધ્યાપન મંદિરમાં અધ્યાપક તરીકે સેવાઓ આપી નિવૃત્ત થયા છે. આજીવન ખાદીના વ્રતધારી અને ૮૬ વર્ષની વય ધરાવતા હમીરભાઈએ વર્ષ ૧૯૬૮થી ૨૦૨૬ સુધીના પોતાના જીવનના વિવિધ અનુભવો અને વર્તમાન પરિસ્થિતિઓ પર સતત લખાણ કર્યું હતું. જોકે, તેમણે ક્યારેય આ લખાણને પુસ્તક રૂપે બહાર પાડવાનું વિચાર્યું નહોતું.
પિતાની નરમ-ગરમ તબિયત વચ્ચે તેમની આ દીર્ઘ સાહિત્યસાધના લુપ્ત ન થઈ જાય તે માટે તેમની પુત્રી મીનાબેને વિશેષ રસ દાખવી પિતા પાસેથી તમામ લખાણ એકત્રિત કરી તેનું સુચારુ સંકલન કર્યું. આ કાર્યમાં મીનાબેનના પુત્રવધૂ કિષ્નાબેન તથા તેની પુત્રી ખુશ્બુબેને પણ પૂર્ણ સહયોગ આપ્યો હતો. પિતા પ્રત્યે દીકરીના અસીમ વહાલ અને નિષ્ઠાના પરિણામે જ આ અમૂલ્ય સાહિત્ય સંપુટ પુસ્તક સ્વરૂપે સાકાર થઈ શક્યું છે.
આ પુસ્તકમાં લેખકના જીવનભરના અનુભવોનો નિચોડ જોવા મળે છે. જેમાં પ્રવાસવર્ણન, હાઈકુ, છંદ, નિબંધ અને વિવિધ કવિતાઓ જેવા સાહિત્યના વિવિધ પ્રકારોનો સુંદર સમન્વય કરવામાં આવ્યો છે.
આ વિમોચન પ્રસંગે શહેરના અગ્રણીઓ અને સાહિત્યપ્રેમીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જેમાં માધવજીભાઈ ગેલાતર, મંગળજીભાઈ રાઠોડ, કેશુભાઈ વાઘેલા, માવજીભાઈ દાફડા, અને દેવાભાઈ દાફડા સહિતના વિશિષ્ટ મહાનુભાવોએ હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો અને લેખક તથા તેમના પુત્રો હરેશભાઈ તથા અશોકભાઈ સમેત તમામ સભ્યોએ આ તકે સૌનો આભાર માનેલ અને ઉપસ્થિત તમામે હૃદયપૂર્વકના અભિનંદન પાઠવ્યા હતા.
સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન મનીષભાઈ વિંઝુડા અને વિનોદભાઈ રાઠોડ દ્વારા કરવામાં આવ્યું હતું

















Recent Comments