કપાસના પાકમાં સંકલિત રોગ વ્યવસ્થાપન માટે વાવણી પહેલાં અને વાવણી સમયે લેવાના પગલાં અંગે ખેડૂતોએ ખાસ પગલા લેવા ઉપરાંત માર્ગદર્શિકા અનુસરવી. જેમાં લાંબા ગાળે પાકની ફેરબદલી કરવી અને નાઇટ્રોજન, ફોસ્ફરસ તેમજ પોટાશનો પ્રમાણસર ઉપયોગ કરવો, લીલો પડવાશ, છાણિયું ખાતર હેક્ટરે ૧૦ ટન અથવા પ્રેસમડ અથવા મરઘાનું ખાતર પ્રતિ હેક્ટરસ ૨ ટન આપવું, અથવા એરંડીના ૫૦૦ કિ.ગ્રા ખોળમાં ૪ કિ.ગ્રા ટ્રાયકોડર્મા વિરીડી ૨.૫ કિ.ગ્રા પ્રતિ હેક્ટર ૧૦૦ કિ.ગ્રા છાણીયા ખાતર સાથે મીક્ષ કરી વાવણી સમયે ચાસમાં જમીનમાં ભેડ હોય ત્યારે આપવું.
કપાસમાં નવો સુકારો અતવા પેરાવિલ્ટ અટકાવવા હલકી જમીનમાં પાળા પદ્ધતિથી વાવેતર કરી સેન્દ્રિય ખાતરો પૂરતા પ્રમાણમાં આપવા. કપાસમાં સુકારાના નિયંત્રણ માટે આંતર પાક તરીકે મઠ, અડદ કે મકાઈ વાવવા અથવા જ્વાર, રાયડો અને બાજરીની ફેરબદલી કરવી હિતાવહ છે. આ ઉપરાંત, વાવણી સમયે બીજને ટ્રાયકોડર્મા હાર્જીયાનમ અથવા ટ્રાયકોડર્મા વિરીડી જેવા જૈવિક ફૂગ નિયંત્રકો (૧૦ ગ્રામ/કિલો) અથવા કાર્બોક્ઝીન ૩૭.૫ ટકા વત્તા થાઈરમ ૩૭.૫ ટકા ડીએસનાં મિશ્રણનો ૩.૫ ગ્રામ પ્રતિ કિ.ગ્રા બીજ મુજબ પટ આપી વાવેતર કરવું જોઈએ.
કપાસમાં ખૂણિયા ટપકા અને કેમ્પેસ્ટ્રીસ જેવા બીજજન્ય રોગો અટકાવવા માટે બીજની રૂવાંટી દૂર કરવી, એક કિ.ગ્રા બીજમાં ૧૦૦ મિલી ગંધકનો તેજાબ નાંખી ૨-૩ મિનિટ સતત હલાવી ત્યારબાદ બીજને પાંચથી છ વખત સાદા પાણીમાં ધોઈ ત્યારબાદ પારાયુક્ત દવાઓ (એગ્રોસાન, સેરેસાન, ઈમિસાન) પૈકી એક દવાનો ૨-૩ ગ્રામ પ્રતિ એક કિ.ગ્રા બીજ મુજબ પટ આપવો અથવા સ્યુડોમોનાસ ફ્લુરોસન્સ ૧૦ ગ્રામ પ્રતિ કિ.ગ્રા બીજ પ્રમાણે માવજત આપી વાવેતર કરવું. ખેડૂતોએ દવાના વપરાશ વખતે તેના લેબલ મુજબની કાળજી રાખવા અને વધુ માહિતી માટે સ્થાનિક ગ્રામસેવક, ખેતી અધિકારી અથવા જિલ્લા ખેતીવાડી અધિકારીનો સંપર્ક કરવો ઉપરાંત વધુ જાણકારી માટે તાલુકા અમલીકરણ અધિકારી, મદદનીશ ખેતી નિયામક, નાયબ ખેતી નિયામક વિસ્તરણ અને તાલીમનો સંપર્ક કરવા જિલ્લા ખેતીવાડી અધિકારીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.













Recent Comments