નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં ત્રિ-મંદિર અડાલજ ખાતે આયોજિત ત્રિદિવસીય મહેસૂલ વિભાગની ચિંતન શિબિરનો આજે સમાપન સમારોહ યોજાયો હતો.
મહેસૂલ વિભાગની ચિંતન શિબિરમાં અધિકારીઓને સંબોધતા છેલ્લાં પાંચ મહિનાની તેમની શ્રેષ્ઠ કામગીરીને બિરદાવીને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, મહેસૂલ વિભાગે ટ્રાન્સપરન્સી સાથે ચૂંટણી પ્રક્રિયા અને વહીવટી કાર્યોમાં રાત-દિવસ એક કરીને જે ટીમ વર્ક બતાવ્યું છે તે પ્રશંસનીય છે. આ શિબિર દ્વારા સિનિયર અને જુનિયર અધિકારીઓ વચ્ચેનું બોન્ડિંગ મજબૂત બનશે અને આવનારા દિવસોમાં રાજ્યના નાગરિકોને નવી ટેકનોલોજીના માધ્યમથી વધુ ઝડપી સુવિધાઓ પ્રાપ્ત થશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.
શ્રી સંઘવીએ ‘કલેક્ટર’ હોદ્દાને માત્ર જમીન સુધારણા કે લેન્ડ ગવર્નન્સ સુધી સીમિત ન રાખતા, તેમને જિલ્લાના સાચા વડા તરીકે કાર્ય કરવા આહ્વાન કર્યું હતું. તેમણે ભાર પૂર્વક જણાવ્યું હતું કે, વહીવટી પરિવર્તન ત્યારે જ સાર્થક ગણાશે જ્યારે તેનું સીધું ફળ છેવાડાના નાગરિક સુધી પહોંચશે. અધિકારીઓએ ઓફિસના નીતિ-નિયમોની સાથે લોકાભિમુખ અભિગમ અપનાવીને પોતાની જવાબદારીમાં સકારાત્મક બદલાવ લાવવો જોઈએ, જેથી નિવૃત્તિ સમયે લાખો લોકોના જીવનમાં પરિવર્તન લાવ્યાનો આત્મસંતોષ મળી શકે.
જિલ્લાના આર્થિક વિકાસ અંગે ચર્ચા કરતા તેમણે સૂચવ્યું હતું કે, પ્રવાસન અને ઉદ્યોગ ક્ષેત્રે કલેક્ટર કચેરીએ વધુ સક્રિય ભૂમિકા ભજવવી જોઈએ. ખાસ કરીને એમ.એસ.એમ.ઈ. એકમો અને ઇન્વેસ્ટરો માટે જિલ્લા સ્તરે જ વધુ નક્કર વ્યવસ્થા ઊભી કરવી જોઈએ. આ ઉપરાંત, જિલ્લામાં કાર્યરત મોટી ઇન્ડસ્ટ્રીઝના સી.એસ.આર. (CSR) ફંડનો મહત્તમ લાભ જે-તે જિલ્લાના પછાત કે આદિજાતિ વિસ્તારોના વિકાસ માટે વપરાય તે જોવાની જવાબદારી પણ કલેક્ટરશ્રીઓની છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
કાયદો અને વ્યવસ્થાના સંદર્ભમાં તેમણે અધિકારીઓને ખાસ તાકીદ કરી હતી કે, અસામાજિક તત્ત્વો પર લગામ કસવા માટે ‘પાસા’ કે ‘તડીપાર’ જેવી દરખાસ્તો પર નિર્ણય લેતા પહેલા પોલીસ અધિકારીઓને સાંભળવા જોઈએ અને મહત્તમ કડક પગલાં લેવાં જોઈએ. વળી, કલેક્ટર કચેરીની સ્વચ્છતાને પ્રાધાન્ય આપતા તેમણે જણાવ્યું હતું કે, સરકારી કચેરીઓના શૌચાલયો અને પરિસર ખાનગી મિલકતો કરતા પણ વધુ સ્વચ્છ હોવા જોઈએ, જે પ્રજામાં તંત્રની સારી છાપ ઊભી કરે છે.
અંતમાં, શ્રી સંઘવીએ દરેક જિલ્લા માટે અલગ-અલગ મોબાઈલ એપ્લિકેશન બનાવવાને બદલે રાજ્ય સ્તરે એક જ ‘કોમન એપ’ બનાવવાનો અને બેસ્ટ પ્રેક્ટિસ શેર કરવાનો આગ્રહ કર્યો હતો. તેમણે ખાદ્ય પદાર્થો વેચતી લારીઓ પર ગ્લોવ્સ અને સ્વચ્છતાના નિયમોનું પાલન કરાવવા તેમજ બનાસકાંઠા અને ગીર સોમનાથ જેવા મોડેલ સેન્ટર વિકસાવવા સૂચન કર્યું હતું. તેમણે ભરૂચ જિલ્લાની ઝડપી કામગીરીના ઉદાહરણ સાથે સૌને પ્રોત્સાહિત કર્યા હતા.
શ્રી સંઘવીએ અધિકારીઓને આગ્રહ કર્યો હતો કે, દરેક કલેક્ટરશ્રીઓને માત્ર જમીનના વિષયો પૂરતા મર્યાદિત ન રહીને, જિલ્લાના સર્વાંગી વિકાસના વડા તરીકે જવાબદારી નિભાવવા અને વહીવટમાં સંપૂર્ણ પારદર્શિતા લાવવા સૂચન કર્યું હતું.
મહેસૂલ વિભાગની ચિંતન શિબિરને સંબોધતા અધિક મુખ્ય સચિવ શ્રીમતી ડૉ.જયંતી રવિએ જણાવ્યું હતું કે, રાજ્યમાં નાગરિક કેન્દ્રિત, પારદર્શક અને કાર્યક્ષમ શાસન વ્યવસ્થા ઊભી કરવા માટે મહેસૂલ વિભાગ ટેકનોલોજીના માધ્યમથી મક્કમતાથી આગળ વધી રહ્યો છે. શિબિર દરમિયાન સાત વિવિધ જૂથોમાં થયેલા ગહન મંથનનો ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું કે, જમીન સંબંધિત સેવાઓના નિયમો અને પ્રક્રિયાઓનું સરળીકરણ (રેગ્યુલેટરી ફ્રેમવર્ક) તેમજ ‘ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ’ના ભાગરૂપે બિનખેતી (NA)ની પ્રક્રિયાને વધુ સુગમ બનાવવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. ખાસ કરીને શહેરી અને ગ્રામીણ જમીન રેકોર્ડના વ્યવસ્થાપન માટે ‘ઇન્સ્પેક્ટર ઓફ લેન્ડ રેકોર્ડ્સ’ની નવી જગ્યાઓ ઊભી કરી ડિજિટાઇઝેશન અને પારદર્શકતા વધારવાનું સરકારનું લક્ષ્ય છે.
શ્રીમતી રવિએ મહેસૂલ વિભાગને ‘મધર ઓફ ઓલ ડિપાર્ટમેન્ટ્સ’ ગણાવતા જિલ્લા કલેક્ટરોની બહુઆયામી ભૂમિકાની પ્રશંસા કરી હતી. તેમણે ઉમેર્યું કે, વહીવટી તંત્રમાં માત્ર કાર્યક્ષમતા જ નહીં, પરંતુ પ્રામાણિકતા અને નૈતિકતાનું પાલન પણ એટલું જ અનિવાર્ય છે. રી-સર્વેની જટિલ પ્રક્રિયાના ઉકેલ રૂપે વિકસાવવામાં આવેલી ‘ભૂમિ સીમાંકન’ જેવી સરળ અને સચોટ પદ્ધતિ તેમજ તેની SOP અંગે પણ શિબિરમાં ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત, આપત્તિ વ્યવસ્થાપન અને જમીન સંપાદન જેવી બાબતોમાં આધુનિક વ્યૂહરચના અપનાવી ‘વિકસિત ગુજરાત’ના વિઝનને પૂર્ણ કરવા માટે સમગ્ર ટીમ ઉત્સાહ અને ઊર્જા સાથે કાર્યરત હોવાનું તેમણે ગૌરવપૂર્વક જણાવ્યું હતું.
મહેસૂલ વિભાગની ચિંતન શિબિરમાં ઉદ્યોગ અને ખાણ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રીમતી મમતા વર્માએ જણાવ્યું હતું કે, રાજ્યના સામાજિક-આર્થિક વિકાસ અને ‘વિકસિત ગુજરાત’ના વિઝનને પૂર્ણ કરવામાં મહેસૂલ વિભાગની ભૂમિકા અત્યંત નિર્ણાયક છે. તેમણે વિવિધ જિલ્લા કલેક્ટરો દ્વારા ઉદ્યોગો માટે લેન્ડ બેંક પૂરી પાડવા અને પ્રાદેશિક સમિટ અંતર્ગત ૨૫ નવી GIDC માટે આશરે પાંચ હજાર એકર જમીન ફાળવવામાં દાખવેલી સકારાત્મકતા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. શ્રીમતી વર્માએ વધુમાં ઉમેર્યું હતું કે, રોકાણકારોને પાયાના સ્તરે પારદર્શક અને સમયબદ્ધ સુવિધાઓ મળે તે અનિવાર્ય છે. જિલ્લા સ્તરે પ્રશ્નોનો ઝડપી નિકાલ, પ્રોત્સાહનોની સમયસર વહેંચણી અને ‘ઇન્વેસ્ટર ફ્રેન્ડલી’ અભિગમથી રાજ્યમાં રોકાણકારોનો વિશ્વાસ વધુ મજબૂત બનશે, જે અંતતઃ ગુજરાતને વૈશ્વિક સ્તરે આર્થિક ઊંચાઈઓ પર લઈ જશે.
ઉદ્યોગ કમિશનર શ્રી પી. સ્વરૂપે વિકાસના કાર્યોમાં વહીવટી કાર્યક્ષમતા પર ભાર મૂકતા જણાવ્યું હતું કે, જમીન સંપાદન જેવી જટિલ પ્રક્રિયાઓ બાદ જ્યારે વડોદરા-સુરત એક્સપ્રેસ હાઈવે જેવા પ્રોજેક્ટ્સ સાકાર થાય છે, ત્યારે તેનું પરિણામ અત્યંત સંતોષકારક હોય છે. તેમણે જિલ્લા વહીવટી તંત્રને સરકારનો ચહેરો ગણાવતા ઉમેર્યું હતું કે, માત્ર હાઈ-પ્રોફાઈલ જમીન સંપાદન કે બિનખેતી (NA) ની મંજૂરીઓ જ નહીં, પરંતુ તંત્રની સાચી ઓળખ સામાન્ય જનતા સાથે જોડાયેલા કામોથી થાય છે.
જિલ્લા વહીવટનો લગભગ 70% હિસ્સો ઈ-ધરા અને જનસેવા કેન્દ્રો સાથે સંકળાયેલો હોવાથી, શ્રી પી. સ્વરૂપે તમામ અધિકારીઓને આ કેન્દ્રો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવા અનુરોધ કર્યો હતો. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે, જનસેવા કેન્દ્રોની કામગીરી વધુ સુદ્રઢ અને ઝડપી બનાવવાથી સમગ્ર સરકારી તંત્રની ક્ષમતા, પારદર્શિતા અને લોકોની સુખાકારીમાં મોટો વધારો થશે.
આ પ્રસંગે કલેકટરશ્રી ગાંધીનગર રવિન્દ્ર ખતાલે દ્વારા ઉપસ્થિતોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું.
સમાપન સમારોહ પ્રસંગે મહેસૂલ નિરીક્ષણ કમિશનર શ્રી રાજેશ માંઝુ, સેટલમેન્ટ કમિશનર અને ઇન્ચાર્જ સચિવ લેન્ડ રિફોર્મ શ્રી બિજલ શાહ,ડી.એલ.આર નિયામકશ્રી શ્યામ કુમાર સહિત રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી કલેક્ટરશ્રીઓ અને મહેસૂલ વિભાગના ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.




















Recent Comments