અમરેલી

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય/પેટા ચૂંટણી-એપ્રિલ-૨૦૨૬, જિલ્લામાં ૧૮-૨૦ વર્ષની ઉંમરના અંદાજિત ૧૪ હજાર નવયુવાઓ પ્રથમ વખત મતદાન કરશે

ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય/પેટા ચૂંટણી-એપ્રિલ-૨૦૨૬ કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. આ અન્વયે અમરેલી જિલ્લામાં કુલ ૦૬ નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણી તથા કુલ ૧૧ તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણી યોજાનાર છે. જેનું મતદાન તા. ૨૬.૦૪.૨૦૨૬ના રોજ યોજાશે ઉપરાંત મતગણતરી તા. ૨૮.૦૪.૨૦૨૬ના રોજ યોજાશે.

લોકશાહીના પાયા સમાન સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય અને પેટા ચૂંટણી એપ્રિલ-૨૦૨૬ (ગુજરાત)ના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે આ વખતે સમગ્ર જિલ્લામાં લોકશાહીનો એક નવો રંગ જોવા મળશે. આ ચૂંટણીમાં જિલ્લાના અંદાજિત ૧૪,૦૦૦ જેટલા ૧૮ થી ૨૦ વર્ષની વયના નવયુવાઓ પ્રથમ વખત મતાધિકારનો ઉપયોગ કરીને ભારતીય લોકશાહીને વધુ સશક્ત બનાવવા માટે પોતાનું અમૂલ્ય યોગદાન આપશે.

ઉલ્લેખનીય છે કે, યુવા શક્તિ લોકશાહીનું પ્રેરણાબળ છે. આ ચૂંટણીમાં પ્રથમ વખત મતદાન કરનાર યુવાનોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા પણ પ્રથમ વખતના મતદાર એવા નવયુવાઓને પ્રોત્સાહિત કરવા માટે વિશેષ જનજાગૃતિ કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યા છે. લોકશાહીના આ મહાપર્વમાં નવયુવાઓ પોતાના ગામ કે શહેરના વિકાસ માટે મતાધિકારનો ઉપયોગ કરીને પોતાની નૈતિક ફરજ નિભાવશે.

Related Posts