સત્ય છુપાવ્યું જે તમે,
એ હવે અંજામ લાવશે,
તમારી એક ભૂલ,
વહીવટમાં સવાલ લાવશે.
કાયદાની છે આ તાકાત,
જરા સંભાળજો સાહેબ,
પારદર્શિતા જ લોકશાહીમાં
હવે સન્માન લાવશે.
–“પાંધી સર”
મતદાર યાદી જેવી સંવેદનશીલ પ્રક્રિયામાં પારદર્શિતાના અભાવ અને માહિતી અધિકાર અધિનિયમ (RTI) ના ઉલ્લંઘન બદલ ગુજરાત માહિતી આયોગે લાલ આંખ કરી છે. મતદાર યાદીમાંથી નામ રદ કરવા અંગેની માહિતી ન આપવા બદલ તત્કાલીન મતદાર નોંધણી અધિકારી (ભાવનગર) અને હાલના પ્રાંત અધિકારી (તળાજા) શ્રી જયકુમાર કે. રાવલને રૂ. ૨૨,૭૫૦નો દંડ ફટકારવામાં આવ્યો છે.
વાત જાણે એમ છે કે
SIR (Special Intention Revision) કામગીરી દરમિયાન બી.એલ.ઓ. દ્વારા અરજદાર બીના બી. પંડયાની જાણ બહાર ફોર્મ નંબર-૭ ઓનલાઈન ભરી તેમનું નામ મતદાર યાદીમાંથી રદ કરી દેવામાં આવ્યું હતું. આ ગંભીર બેદરકારી સામે અરજદારે RTI હેઠળ માહિતી માંગી હતી, પરંતુ અધિકારી દ્વારા નિયત સમયમર્યાદામાં કોઈ પણ વિગત આપવામાં આવી નહોતી.
આયોગનું કડક વલણ અને દંડ
માહિતી કમિશ્નર શ્રી વિપુલ રાવલે આ કેસમાં નોંધ્યું હતું કે માહિતી આપવામાં થયેલો વિલંબ એ માત્ર ટેકનિકલ ભૂલ નથી, પરંતુ નાગરિકના મતાધિકાર પર તરાપ છે. એડવોકેટ દિપેશ સી. જોશીની ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખી, આયોગે RTIની કલમ-૨૦(૧) હેઠળ પ્રતિદિન રૂ. ૨૫૦ લેખે કુલ ૨૨,૭૫૦ રૂપિયાનો દંડ વસૂલવાનો આદેશ આપ્યો છે.
ચુકાદાનું મહત્વ
આ આદેશથી સ્પષ્ટ સંદેશ ગયો છે કે લોકશાહીમાં પારદર્શિતા અનિવાર્ય છે. અધિકારીઓ પોતાની જવાબદારીમાંથી છટકી શકશે નહીં અને જો માહિતી અટકાવવાનો પ્રયાસ થશે, તો આવી જ કડક દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે.
















Recent Comments