ખીલશે હવે કળીઓ નવી આ જ્ઞાનના ઉપવન મહીં,
બાળપણને પાંખ આપવા સંતોના આશિષ છે અહીં.
કૌશલ્યના શિખરો ચડીને નામ
રોશન જે કરશે,
સંસ્કારની સરવાણી વહેશે, અંધકાર ક્યાંય ના રહેશે.
–“પાંધી સર”
સાવરકુંડલા શહેરમાં આવેલ શિક્ષણ સંસ્કાર અને ચારિત્ર્ય નિર્માણના ધામ સમા શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ, સાવરકુંડલા સંચાલિત અંગ્રેજી મીડિયમ સ્કૂલ ખાતે વેકેશનના સમયનો સદઉપયોગ થાય અને નાના ભુલકાઓમાં છુપાયેલી કલા-કૌશલ્ય બહાર આવે તેવા શુભ હેતુથી ૧૫ દિવસીય વિશેષ ‘સમર કેમ્પ’નું સુંદર આયોજન કરવામાં આવ્યું છે.
આ સમર કેમ્પનું ભવ્ય ઉદ્ઘાટન સંસ્થાના પ્રમુખ શાસ્ત્રી હરિપ્રસાદદાસજી સ્વામી તથા સંસ્થાના કોઠારી અક્ષરમુક્તદાસજી સ્વામીના અધ્યક્ષ સ્થાને સંપન્ન થયું હતું. આ પ્રસંગે ખાસ જૂનાગઢથી પધારેલા શાસ્ત્રી પૂર્ણપ્રકાશ સ્વામી અને શાસ્ત્રી જે.પી. સ્વામીએ ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી હતી. સંસ્થાના સૌથી નાની વયના સંત પૂજ્ય સુવ્રત સ્વામીના હસ્તે રિબન કાપી અને તમામ સંતોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી કેમ્પને વિધિવત ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.
કેમ્પનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોની પ્રતિભાઓને ખીલવવી, તેમનામાં નવી ચેતના જાગૃત કરવી અને સ્કીલ ડેવલપમેન્ટ (કૌશલ્ય વર્ધન) કરવાનો છે. ૧૫ દિવસ સુધી ચાલનારા આ કેમ્પમાં શાળાના ડાયરેક્ટર, આચાર્યશ્રી તથા તમામ શિક્ષકગણ ઉત્સાહપૂર્વક જોડાયા છે. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન કાનાણી જયસુખભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું.
















Recent Comments