સાવરકુંડલા શહેરમાં આજે વહેલી સવારે આઠ વાગ્યાના આરસામાં વરસાદનું એક જોરદાર ઝાપટું પડી જતાં જ સમગ્ર વિસ્તારમાં પાણી પાણી થઈ ગયું હતું. માત્ર એક જ ઝાપટામાં શહેરના હાથસણી રોડ સહિતના વિસ્તારોમાં રસ્તા પર પાણી ફરી વળ્યા હતા.
વરસાદી વાતાવરણ અને ધોધમાર પાણીથી બચવા માટે હાથસણી રોડ પર આવેલા એક એટીએમ સેન્ટરની અંદર એક ગાય માતા શરણ લેતી જોવા મળી હતી. સાવરકુંડલા શહેરની જીવદયા પ્રેમી જનતા અને પ્રેમભાવથી પરિચિત હોય તેમ ગાય માતાએ એટીએમ સેન્ટરમાં પ્રવેશવાની હિંમત કરી હતી. જોકે, એટીએમ સેન્ટરની અંદર ગાયના પોદળા પણ જોવા મળ્યા હતા, જે સફાઈ અને વ્યવસ્થા સામે પણ સવાલો ઊભા કરે છે.
બીજી તરફ, સાવરકુંડલાના પ્રખ્યાત મહાપ્રભુજી બેઠકજી તરફ જવાના માર્ગ પર પણ પાણીનો ધસમસતો પ્રવાહ વહી રહ્યો હતો. સામાન્ય રીતે વિવિધ વિસ્તારોમાંથી આવતું આ પાણી ઢોળાવ પરથી થઈને નાવલી નદીમાં વહી જાય છે. પરંતુ હાલ નાવલી નદી પર ચાલી રહેલી ‘રીવર ફ્રન્ટ’ની કામગીરીના ભાગરૂપે બનાવેલી દીવાલ પાણીને નદીમાં પ્રવેશતા અટકાવે છે. પરિણામે, આ સમગ્ર પાણી નીચાણવાળા વિસ્તારમાં એકઠું થઈને તળાવ જેવું સ્વરૂપ ધારણ કરી લે છે.
આ વિસ્તારના પાણીના નિકાલ માટે હંગામી વ્યવસ્થા કરવા બાબતે અગાઉ જાગૃત નાગરિકો તેમજ વોર્ડ નંબર ૬ ના નગરપાલિકા સદસ્ય ધર્મેન્દ્ર મહેતા દ્વારા સાવરકુંડલા નગરપાલિકાના ચીફ ઓફિસર અને પ્રમુખશ્રીને લેખિત તથા મૌખિક રજૂઆતો કરવામાં આવી હતી. તેમ છતાં, *કદાચ તંત્રની “હશે… થશે…” ની ઢીલી નીતિના કારણે હજુ સુધી કોઈ પરિણામદાયક ઉકેલ આવ્યો નથી.*
આ બધા વચ્ચે હાથસણી રોડ પર આવેલ ખોડીયાર ચોકના નાની જગ્યા સ્થિત ખોડીયાર મંદિર પાસે એક પ્રેરણાદાયી દ્રશ્ય જોવા મળ્યું હતું. *અહીં ૮૫ જેટલા વર્ષની ઉંમર ધરાવતા જો કે એ માજીએ તો પોતાને સો વર્ષ થયાનું જણાવ્યું હતું. એક વયોવૃદ્ધ બુઝુર્ગ માજી પોતે જાહેર રસ્તા પર વહેતા પાણીમાંથી મોટો કચરો પોતાના હાથે બહાર કાઢતા નજરે પડ્યા હતા. તેમણે આક્રોશ અને લાગણી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, “મા ખોડીયારના મંદિર આસપાસના વિસ્તારમાં ગંદુ પાણી અને કચરો ભરાઈ રહે તે કેટલું વ્યાજબી કહેવાય?”*
દરમિયાન ઉપરવાસમાં પડેલા વરસાદને કારણે નાવલી નદીના પટમાં પણ નવા પાણીની આવક થતાં પાણી વહેતું જોવા મળ્યું હતું. તંત્ર વહેલી તકે જ્યાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હોય તેનો યોગ્ય નિકાલ કરે તેવી સ્થાનિકોમાં પ્રબળ માંગ ઉઠી છે.કે પછી હોં યે હોં. હશે થશેની તર્જ પર વળી કોઈ ખાતમુહૂર્ત થશે…!!













Recent Comments