ગોહિલવાડનાં અંતરિયાળ વિસ્તારમાં માઈધાર ગામમાં શ્રી ‘દર્શક’ દ્વારા સાકાર થયું ‘સ્વપ્ન સર્જન’ અને પૂરા પંથકમાં લાભ મળી રહ્યો છે. પંડિત સુખલાલજી લોકવિધાલય એટલે સરકારી શિક્ષણ સાથે આજે સમાજ મૂલ્યોની કેળવણીનું અભ્યાસ કેન્દ્ર બન્યું છે.
સાહિત્યકાર અને ચિંતક તો ખરાં જ, પણ ગામડાં માટે ચિંતા કરતાં રહેલાં શ્રી મનુભાઈ પંચોળી ‘દર્શક’ દ્વારા કેળવણી હેતુ સાકાર થયું ‘સ્વપ્ન સર્જન’ એ પાલિતાણા પાસેનાં માઈધાર ગામમાં આજે આદર્શ વિદ્યાધામ બન્યું છે.
પંડિત સુખલાલજી લોકવિદ્યાલય વર્ષ ૧૯૭૮ દરમિયાન શરૂ થયું. શ્રી નાનાભાઈ ભટ્ટ દ્વારા ભાવનગરમાં દક્ષિણામૂર્તિ, આંબલામાં ગ્રામદક્ષિણામૂર્તિ અને સણોસરામાં લોકભારતી સ્થાપવામાં આવી. આ સંસ્થાનાં સાથીદાર વડીલ શ્રી મનુભાઈ પંચોળી કહેતાં કે, ‘ અમે ગામડામાં રહી પ્રાયશ્ચિતભાવે ગામડામાં સંસ્કૃતિ અને સમૃદ્ધિ વધારવાનું કામ નમ્રતા નિર્ભયતાથી ચાલુ રાખીશું તો અમે ગામડાંને સમજ્યા કહેવાશે, નહિતર મણીને ઓછાં મૂલમાં સાચવ્યો એમ કહેવાશે.’ …અને આ વિચાર સૂત્ર જ આ સંસ્થાની સ્થાપનામાં મૂળમાં લાગે છે.
આ સંસ્થાનાં ઉતાર ચડાવ તો આવ્યાં. વર્ષ ૨૦૦૧ સુધી આ સંસ્થામાં ગ્રામ કારીગરોને તાલીમ આપી અવિધિસર શિક્ષણ આપી ગ્રામશિલ્પી નિર્માણ કરવાનો સંકલ્પ સફળ રહ્યો. સંજોગવશાત્ વર્ષ ૨૦૦૧થી ૨૦૧૩ દરમિયાન અટકી પડ્યું, પરંતુ સ્થાપનામાં શક્તિશાળી બીજ રોપાયેલું તે વળી અંકુરિત થવાં લાગ્યું… વર્ષ ૨૦૧૪માં શ્રી મનુભાઈ પંચોળી જન્મશતાબ્દી નિમિત્તે લોક વૈજ્ઞાનિક અને સંસ્થા પરિવારનાં જ શ્રી અરુણભાઈ દવેને માઈધાર કેન્દ્ર પુનઃ ચેતનવંતુ કરવાં વિચાર આવ્યો અને તબક્કાવાર આયોજનો થયાં.
માઈધારમાં કેળવણી સંસ્થા કાર્યરત થાય તેમાં જાણીતા ઉદ્યોગપતિ શ્રી મધુકરભાઈ પારેખ ( પીડિલાઈટ ) દ્વારા આર્થિક સહયોગ મળ્યો, તો રાજકીય અગ્રણી શ્રી મનસુખભાઈ માંડવિયા પણ સધિયારો આપવાં આગળ આવ્યાં… અને ધમધમતું થયું લોકવિદ્યાલય…!
માઈધાર સંસ્થામાં લોકકલ્યાણ વિધાલયમાં ધોરણ ૮થી ધોરણ ૧૨સુધીનો અભ્યાસ પ્રાપ્ત છે અને આ પરીક્ષાઓમાં પણ ઊજળું પરિમાણ આવે છે. આજે આ કારણે ગામ અને પંથકમાં કન્યા શિક્ષણમાં વધારો થવાં પામ્યો છે. છાત્રાલયમાં પણ સંસ્થા અને પરિવારનો સમન્વય રહેલો છે.
શિક્ષણ સાથે, સંસ્કૃતિ, સાહિત્ય, આરોગ્ય, પર્યાવરણ વગેરે પ્રવૃતિ શિબિરો અને કાર્યક્રમો વગેરે ઉપક્રમો યોજાતાં રહે છે, જેમાં જે તે ક્ષેત્રનાં નિષ્ણાંત મહાનુભાવોનો લાભ આ વિધાર્થીઓને મળતો રહે છે.
લોકકલ્યાણ વિધાલયમાં નિયત અભ્યાસક્રમ સાથે અહીંની કેળવણીમાં આવિષ્કાર વિજ્ઞાન કેન્દ્ર, મોજીલું શિક્ષણ કેન્દ્ર, કૌશલ્ય વર્ધન કેન્દ્ર, સહિયર જૂથ, રવિ શાળા, કૃષિ કેન્દ્ર વગેરે દ્વારા શાળા સંસ્થા અને સમાજ સાથે અનુબંધ રાખી રહેલ છે. આ રીતે આ સંસ્થા સરકારી શિક્ષણ સાથે સમાજ મૂલ્યોની કેળવણીનું કેન્દ્ર બનેલ છે.
Recent Comments