જાયન્ટ્સ ગ્રુપ ઓફ નૈરોબી ટ્વીગાના નિમંત્રણથી આફ્રીકાના કેન્યા દેશમાં જગદીશ ત્રિવેદીએ કુલ ચાર કાર્યક્રમો કરી ત્યાં રહેતાં જરુરીયાતમંદ આફ્રીકન લોકોના આરોગ્ય અને શિક્ષણ માટે આશરે અઢી કરોડ રૂપિયા જેવી માતબર રકમ એકઠી કરી આપી હતી.
કેન્યાના પાટનગર નૈરોબીમાં યોજાયેલા ત્રણ કાર્યક્રમો પૈકી પ્રથમ કાર્યક્રમમાં એક કરોડ દસ લાખ શિલિંગ , બીજા કાર્યક્રમમાં બે કરોડ પાંચ લાખ શિલિંગ અને ત્રીજા કાર્યક્રમમાં સાડા તેર લાખ શિલિંગ તેમજ મોમ્બાસા ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં સાડા સત્તર લાખ શિલિંગ મળીને કુલ ત્રણ કરોડ છેતાળીસ લાખ શિલિંગ એટલે ભારતના આશરે બે કરોડ સાઈઠ લાખ રુપિયા જેવી રકમ એકઠી થઈ હતી જે તમામ રકમ જગદીશ ત્રિવેદીએ ત્યાં રહેતા જરૂરિયાતમંદ આફ્રિકન લોકોના આરોગ્ય અને શિક્ષણ માટે અર્પણ કરી હતી.
જેમાં આફ્રિકન બાળકોની કુલ છ શાળાઓમાં પુસ્તકો, નોટબુક્સ, કંપાસ બોક્ષ અને ઈતરપ્રવૃતિના પુસ્તકો તેમજ ઘરડાંઘરમાં દવાઓ, ખુરશીઓ, ચાલવાના સાધનો, બ્લેન્કેટ, બેડિંગ અને કપડાં, તેમજ ગામડાની આફ્રિકન દીકરીઓને સેનેટરી પેડ્સ તેમજ કુલ ૨૮૮ શાળાઓમાં રમતગમતનાં સાધનોનો સમાવેશ થાય છે. આ રકમમાંથી આફ્રિકન બાળકોને શાળામાં ભોજન પણ આપવામાં આવશે.
છેલ્લાં નવ વરસથી પોતાના દેશ અને વિદેશનાં તમામ કાર્યક્રમોની સંપૂર્ણ આવકનું આરોગ્ય અને શિક્ષણ માટે દાન કરતાં આ સેવાભાવી કલાકારને કેન્યાથી ચાર કાર્યક્રમોનું આમંત્રણ મળ્યું ત્યારે તેમણે શરત મૂકી હતી કે મારા કાર્યક્રમમાં જે કાંઈ ધનરાશિ એકત્ર થાય એ સંપૂર્ણ રકમ આફ્રીકન પ્રજાના કલ્યાણ માટે વપરાય તો હું કાર્યક્રમ કરી આપવા તૈયાર છું.
જાયન્ટ્સ ગ્રુપ ઓફ નૈરોબી ટ્વીગાના ચેરપર્સન શ્રીમતી ચેતનાબહેન દેસાઈ અને એમની ટીમે આ શરતનો સ્વીકાર કર્યો અને આ અદ્વિતીય પ્રવાસ નક્કી થયો. ભારતથી કોઈ કલાકાર આફ્રિકા જઈને પોતાની કલા રજુ કરે અને તમામ કાર્યક્રમોની સંપૂર્ણ આવક તે દેશની મૂળ પ્રજાના ઉત્થાન માટે દાન કરી એકપણ રુપિયો લીધા વગર ભારત પરત આવ્યા હોય એવા જગદીશ ત્રિવેદી સૌપ્રથમ કલાકાર છે. જેમણે “વસુધૈવ કુટુંબકમ્ “ સુત્રને સાર્થક કરી સમાજસેવાનાં ક્ષેત્રમાં એક નવો રાહ ચીંધ્યો છે.
જગદીશ ત્રિવેદીના આફ્રીકાના ચાર કાર્યક્રમો દ્રારા અઢી કરોડ રુપિયાની સેવા


















Recent Comments