અમરેલી

સરહદોની આરપાર માની મમતા: જી-૭ સમિટમાં ઇટાલીના પીએમ જ્યોર્જિયા મેલોનીની પુત્રીનો વીડિયો વાયરલ

​નથી નડતી જગતની કોઈ 

સરહદ માની મમતાને,

​ખુદા પણ શીશ નમાવે જોઈ 

આ અખૂટ શ્રદ્ધાને.

​છુપાઈ જાય છે આખુંય આભ 

જેની ઓથમાં આવી,

​બાળક સદાય સુરક્ષિત સમજે છે                      માના આ હૂંફાળા પાલવને.

–“પાંધી સર”

​ફ્રાન્સના એવિયાનમાં યોજાયેલી હાઈ-પ્રોફાઈલ જી-૭ (G-7) સમિટ, જ્યાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત વિશ્વના ટોચના નેતાઓ વૈશ્વિક મુદ્દાઓ પર મંથન કરવા એકઠા થયા હતા, ત્યાં એક એવી ઘટના ઘટી જેણે આખા વિશ્વનું દિલ જીતી લીધું છે. આ ઘટનાએ સાબિત કરી દીધું છે કે હોદ્દો ગમે તેટલો મોટો હોય, પણ એક માતા માટે તેનું સંતાન જ સર્વોપરી હોય છે અને માની મમતાને કોઈ સરહદો નડી શકતી નથી.

​સમિટ દરમિયાન ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીની ૧૦ વર્ષની પુત્રીનો એક અત્યંત માસૂમ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે આંતરરાષ્ટ્રીય મીડિયાના કેમેરા અને ઝાકઝમાળથી અંજાઈ ગયેલી બાળકી મીડિયાવાળાઓથી બચવા માટે દોડીને પોતાની માતાની પાછળ છુપાઈ જાય છે. માતાની ઓથ મળતા જ બાળકીનો ડર ગાયબ થઈ જાય છે. આ દ્રશ્ય સોશિયલ મીડિયા પર કરોડો લોકોની આંખો ભીની કરી ગયું છે.

​આપણે ત્યાં કહેવત છે ને કે ‘મા એ મા બીજા વગડાના વા’. પરિસ્થિતિ ગમે તેવી હોય, મા પોતાના સંતાનની ફિકર સદૈવ કરે છે અને તેના પ્રોટેક્શન માટે હંમેશા જાગૃત રહે છે. આ આંતરરાષ્ટ્રીય મંચ પર પણ એ જ જોવા મળ્યું. ભલે આસપાસ દુનિયાના શક્તિશાળી નેતાઓ અને કડક સુરક્ષા હોય, પણ એ બાળકી માટે સૌથી સલામત જગ્યા તેની માતાની પાછળ જ હતી. બાળકોમાં મા પ્રત્યે જે અનન્ય શ્રદ્ધા અને અખૂટ વિશ્વાસ હોય છે કે ‘મારી મા મને મૂકીને ક્યાંય નહીં જાય’, તે આ ઘટનામાં સાક્ષાત જોવા મળ્યું.

​”તુઝકો નહીં દેખા હમને કભી, યે મા તેરી સૂરત સે અલગ ભગવાન કી સૂરત ક્યા હોગી…”

​સરહદોની આરપાર મમતાનો અજોડ સ્નેહ

​સામાન્ય રીતે આપણને એમ હોય છે કે સંયુક્ત પરિવારની ભાવના, મા-દાદીનો પૌત્ર-પૌત્રીઓ પ્રત્યેનો અજોડ સ્નેહ અને સંસ્કારો માત્ર ભારત પૂરતા જ સીમિત છે. પરંતુ આ ઘટનાએ એ ભ્રમ ભાંગી નાખ્યો છે. માની મમતા માટે કોઈ ભૌગોલિક સરહદો આંકી શકાતી નથી. તે સરહદોની આરપાર છે. ઇટાલીના વડાપ્રધાન હોય કે ભારતના કોઈ અંતરિયાળ ગામની શ્રમિક મહિલા, પોતાના સંતાન માટે મા મોત સાથે પણ બાથ ભીડી શકે છે.

​સંતાન માટે માતાનું સ્થાન શું છે, તે આ વાયરલ વીડિયો જોયા પછી દરેકના મુખેથી આ જ શબ્દો સરી પડે છે:

“તૂં હૈ તો દિન નિકલતા હૈ, તૂ હૈ તો રાત હોતી હૈ,

દુનિયા મેં તુજસા નહીં કોઈ, જિન્હેં હમ મા સે બઢકર સમઝતે હૈ…”

​આ સમિટે રાજકીય નિર્ણયો ઉપરાંત વિશ્વને એ પણ યાદ અપાવ્યું કે પાવર અને પ્રોટોકોલ ગમે તેટલા મોટા હોય, માની મમતા સામે બધું જ વામણું છે.

———————————————————-

Related Posts