અમરેલી

સાવરકુંડલામાં મેઘરાજાનો ‘ડોળ’: ભારે વરસાદની આગાહી વચ્ચે માત્ર રીમઝીમ ઝાપટું

આભમાં આડંબરનો 

એવો મોટો તોલ હતો,

ગાજ્યા એટલા વરસ્યા નહીં, 

બસ એટલો જ ડોળ હતો!

​રેઈનકોટ પહેરીને અહીં 

ચાલક બધા છેતરાઈ ગયા,

ને શેરી મહીં નાની છત્રીનો 

અનોખો ધેધૂર કલ્લોલ હતો!

–“પાંધી સર”

​સાંપ્રત યુગના લક્ષણો મુજબ આજે મેઘરાજા પણ જાણે દંભ, દેકારા અને પડકારા વચ્ચે માત્ર ‘ડોળ’ કરીને રહી ગયા હોય તેવો માહોલ સાવરકુંડલા શહેરમાં જોવા મળ્યો હતો. હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી વચ્ચે આજે સ્થાનિક લોકો આતુરતાથી મેહુલિયાની રાહ જોઈ રહ્યા હતા, પરંતુ મેઘરાજાએ અપેક્ષા મુજબની મહેરબાની ન દાખવતા માત્ર હાજરી પુરાવીને સંતોષ માન્યો હતો.

​શહેરમાં આજરોજ સવારથી જ આકાશમાં કાળાડિબંગ વાદળોની ફોજ જમા થઈ હતી, જેને જોઈને લાગતું હતું કે ગમે ત્યારે સાંબેલાધારે વરસાદ તૂટી પડશે. બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને બફારાનું પ્રમાણ ખૂબ જ વધી ગયું હતું. અસહ્ય ઉકળાટ અને બફારાને કારણે નાગરિકો તોબા પોકારી ઉઠ્યા હતા અને એવું લાગતું હતું કે આ બફારો ભારે વરસાદ લાવશે.

​આગાહીને પગલે લોકો રેઈનકોટ સાથે નીકળ્યા, પણ પડ્યા રીમઝીમ છાંટા

​હવામાનની આગાહી ભારે વરસાદની હોવાના કારણે સવારથી જ જાગૃત નાગરિકો મુશ્કેલીથી બચવા માટે પોતાની સાથે રેઈનકોટ લઈને જ ઘરની બહાર નીકળ્યા હતા. વાતાવરણ પલટાતાં જ લોકોએ સાવચેતીના ભાગરૂપે પોતાના સ્કૂટર કે મોટરસાયકલ થોભાવી રેઈનકોટ પહેરી લીધા હતા. જોકે, મેઘરાજાએ મોટો આંચકો આપ્યો હોય તેમ માત્ર થોડા સમય માટે ધીમી ધારે રીમઝીમ રીમઝીમ વરસાદ જ વરસાવ્યો હતો. આ સામાન્ય વરસાદમાં માત્ર રસ્તાઓ જ ભીના થયા હતા, જેના કારણે રેઈનકોટ પહેરીને સવારી કરતા વાહનચાલકો ભારે વરસાદ વિના જ રેઈનકોટમાં અટવાયા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.

​આ રીમઝીમ વરસાદના ઠંડા પાણીથી બચવા માટે રસ્તા પર ફરતા અબોલ પશુઓ પણ કોઈ છત કે દુકાનોના છાપરા નીચે શરણ લેતા નજરે પડ્યા હતા. બીજી તરફ, આ આહલાદક વાતાવરણમાં નાના બાળકો પોતાની નાની-નાની રંગબેરંગી છત્રીઓ લઈને શેરીઓમાં નીકળી પડ્યા હતા અને વરસાદી માહોલની મજા માણતા જોવા મળ્યા હતા.

​આમ, લાંબા સમયના દેકારા અને અસહ્ય બફારા બાદ સાવરકુંડલાવાસીઓને જે ધોધમાર વરસાદની અપેક્ષા હતી, તેના બદલે માત્ર વાતાવરણમાં ઠંડક પ્રસરાવીને મેઘરાજા અંતર્ધ્યાન થઈ ગયા હતા. જો કે અત્યારે સાંજે સાત વાગ્યાના સુમારે ફરી પાછો ધીમી ધારે મોટે છાંટે મેઘરાજાએ વરસવાનું શરૂ કર્યું છે વાતાવરણ જોતા હવે મેધો જોરદાર મંડાશે. 

Related Posts