સાવરકુંડલા શહેરમાં આજે સવારે એક ભારે આશ્ચર્યજનક અને તેટલી જ રમુજી ઘટના સામે આવી છે. શહેરના વ્યસ્ત ગણાતા હાથસણી રોડ પર આવેલા સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) ના એટીએમ (ATM) કેન્દ્રમાં આજે સવાર-સવારમાં એક નંદી (આખલો) અચાનક અંદર ઘૂસી ગયો હતો. એટીએમના રૂમમાં આરામથી ઉભેલા નંદીને જોઈને ત્યાંથી પસાર થતા વાહનચાલકો અને સ્થાનિક લોકોમાં ભારે કુતૂહલ જોવા મળ્યું હતું.
“શું નંદીજીને પણ નડ્યો કેશ ક્રંચ?”
આ અનોખી ઘટનાની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ લોકોએ રમુજી પ્રતિક્રિયાઓ આપવાનું શરૂ કર્યું છે. લોકો હસતાં હસતાં કહી રહ્યા છે કે, “કદાચ નંદીજીને સવાર-સવારમાં કોઈ પૈસાની ભારે ઈમરજન્સી આવી પડી હશે, એટલે જ સીધા એટીએમ ભેગા થઈ ગયા!”
લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યું એટીએમ
સામાન્ય રીતે લોકો પૈસા ઉપાડવા માટે એટીએમની લાઈનમાં ઉભા રહેતા હોય છે, પરંતુ આજે સવારે આ એટીએમ સેન્ટર પર એક અનોખો જ નજારો હતો. એટીએમના કાચના દરવાજામાંથી અંદર પ્રવેશેલો આખલો ત્યાં શાંતિથી ઉભો રહ્યો હતો. સદનસીબે, આ ઘટના દરમિયાન નંદીજીએ એટીએમ મશીનને કે ત્યાં હાજર કોઈ વ્યક્તિને નુકસાન પહોંચાડ્યું ન હતું.
થોડીવાર સુધી એટીએમની મુલાકાત લઈને અને લોકોને આશ્ચર્યમાં મૂક્યા બાદ, નંદીજી કોઈ પણ જાતની અફરાતફરી વગર શાંતિથી બહાર નીકળી ગયા હતા. વીકેન્ડની સવારે બનેલી આ હળવી અને રમુજી ઘટના અત્યારે સમગ્ર સાવરકુંડલા પંથકમાં ભારે ચર્ચાનો વિષય બની છે.



















Recent Comments