ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી, હાલોલના માનનીય કુલપતિશ્રી પ્રો. (ડૉ.) સી. કે. ટીંબડિયાના માર્ગદર્શન હેઠળ કોલેજ ઓફ નેચરલ ફાર્મિંગ, ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી, અમરેલી દ્વારા સુડાવડ ગામ ખાતે પ્રાકૃતિક ખેતી વિષયક તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. ખેડૂતોમાં પ્રાકૃતિક ખેતી અંગે જાગૃતિ લાવવા અને તેના વ્યાપક પ્રચાર-પ્રસારના હેતુથી યોજાયેલા આ કાર્યક્રમમાં ૫૦થી વધુ ખેડૂતો ઉત્સાહભેર જોડાયા હતા.
કોલેજના આચાર્યશ્રી ડૉ. એસ. પી. દેશમુખના માર્ગદર્શન હેઠળ તા. ૧૫ જૂન, ૨૦૨૬ના રોજ યોજાયેલી તાલીમમાં વરસાદ આધારિત ખેતીમાં ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવવા માટેની વિવિધ પ્રાકૃતિક ખેતી પદ્ધતિઓ અંગે ખેડૂતોને માહિતગાર કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન મિશ્રપાક પદ્ધતિ અંગે નિદર્શન આધારિત તાલીમ પણ આપવામાં આવી હતી.
તાલીમમાં કોલેજના મદદનીશ પ્રાધ્યાપક ડૉ. કે. વી. મસાલીયા અને કુ. આર. એચ. વઘાસિયા તેમજ ખેતી અધિકારી શ્રી બી. એમ. મોદી અને કુ. યુ. એન. ડોડીયાએ પ્રાકૃતિક ખેતીના પાંચ મુખ્ય આધારસ્તંભો બીજામૃત, જીવામૃત, ઘનજીવામૃત, વાપસા અને આચ્છાદન અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. સાથે જ મિશ્રપાક પદ્ધતિ દ્વારા એક જ ખેતરમાં વિવિધ પાકોનું વૈજ્ઞાનિક આયોજન કરી જમીનની ફળદ્રુપતા જાળવવા, જીવાત અને રોગના ઉપદ્રવને ઘટાડવા તેમજ ખેડૂતોની આવકમાં વધારો કરવા અંગે ઉપયોગી માહિતી આપવામાં આવી હતી.
કાર્યક્રમના અંતે ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવ્યું હતું. તાલીમમાં ઉપસ્થિત ખેડૂતો દ્વારા પ્રાકૃતિક ખેતી અંગેનું જ્ઞાન પ્રાપ્ત કરી ભવિષ્યમાં આ પદ્ધતિ અપનાવવા માટે સકારાત્મક અભિગમ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
પ્રાકૃતિક ખેતીના પ્રચાર-પ્રસાર અને ખેડૂતોને ટકાઉ કૃષિ પદ્ધતિઓ તરફ પ્રેરિત કરવા માટે આ તાલીમ કાર્યક્રમ મહત્વપૂર્ણ સાબિત થયો હોવાનું આચાર્યશ્રી, કોલેજ ઓફ નેચરલ ફાર્મિંગ, અમરેલી એ એક યાદીમાં જણાવ્યું છે.















Recent Comments