ભાવનગર કલેક્ટર કચેરી ખાતે આજે MSME કમિશનર શ્રીમતી ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષસ્થાને વિકસિત ગુજરાત
ઇન્ડસ્ટ્રીયલ પોલિસી-૨૦૨૬, RAMP પહેલ અને ઔદ્યોગિક એસોસિએશનોની રજૂઆતો સંદર્ભે જિલ્લા આઉટરીચ
કાર્યક્રમ યોજાયો હતો.
કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રી દ્વારા તા. ૧૫ જૂન, ૨૦૨૬ના રોજ જાહેર કરવામાં આવેલી વિકસિત ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ
પોલિસી-૨૦૨૬ અંતર્ગત નાના અને મધ્યમ ઉદ્યોગોને મળવાપાત્ર વિવિધ નાણાકીય સહાય તથા પ્રોત્સાહનો અંગે
MSME કમિશનરશ્રીએ માર્ગદર્શન આપ્યું હતું. આ ઉપરાંત, RAMP પહેલ હેઠળ ભાવનગર જિલ્લામાં હાથ ધરવામાં
આવેલી કામગીરી અને ઉદ્યોગોના વિકાસ માટે ઉપલબ્ધ તકો અંગે માહિતી આપવામાં આવી હતી.
આ પ્રસંગે શ્રીમતી ક્ષિપ્રા આગ્રેએ ઉદ્યોગકારોને સરકારી યોજનાઓનો મહત્તમ લાભ લેવા તેમજ નવા ઉદ્યોગોની
સ્થાપના અને હાલના ઉદ્યોગોના વિસ્તરણ માટે ઉપલબ્ધ તકોનો ઉપયોગ કરવા અનુરોધ કર્યો હતો. ઔદ્યોગિક
એસોસિએશનો દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રશ્નોના નિરાકરણ માટે સંબંધિત સરકારી કચેરીઓ અને વિભાગો સાથે
સંકલન સાધીને જરૂરી કાર્યવાહી કરવા પણ તેમણે ખાતરી આપી હતી.
કાર્યક્રમમાં જિલ્લાના સંબંધિત અધિકારીઓ અને ઔદ્યોગિક એસોસિએશનોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.