સેવા સંકલ્પ અભિયાન-૨૦૨૬ અંતર્ગત ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં વાસી તળાવ, કડિયાનાકા
ખાતે શ્રમિક અન્નપૂર્ણા યોજનાના નવા કેન્દ્રનો શુભારંભ ધારાસભ્ય શ્રી શીવાભાઈ ગોહિલના હસ્તે કરવામાં
આવ્યો હતો.
આ પ્રસંગે ધારાસભ્ય શ્રી શીવાભાઈ ગોહિલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર શ્રમિકોના કલ્યાણ અને સુખાકારી
માટે સતત પ્રયત્નશીલ છે. શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ માત્ર રૂ. ૫માં પૌષ્ટિક ભોજન મળવાથી બાંધકામ
શ્રમિકોને આર્થિક રાહત મળશે. મહુવામાં નવા કેન્દ્રના પ્રારંભથી સ્થાનિક શ્રમિકોને યોજનાનો લાભ
મેળવવામાં સુવિધા મળશે. તેમણે શ્રમિકોને યોજનાનો વધુમાં વધુ લાભ લેવા અપીલ કરી હતી.
ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા અમલમાં મૂકાયેલી આ યોજના હેઠળ ઈ-
નિર્માણ પોર્ટલ પર નોંધાયેલા બાંધકામ શ્રમિકોને માત્ર રૂ. ૫માં એક ટંકનું ભોજન આપવામાં આવે છે.
ભોજનમાં રોટલી, શાક, કઠોળ, ભાત, અથાણું, મરચાં અને ગોળનો સમાવેશ થાય છે. ઉપરાંત,
અઠવાડિયામાં એક વાર સુખડી જેવું મિષ્ટાન્ન પણ આપવામાં આવે છે.
યોજનાનો લાભ મેળવવા માટે શ્રમિકે પોતાનું ઈ-નિર્માણ કાર્ડ લઈને ભોજન વિતરણ કેન્દ્ર પર જવાનું રહે છે.
કાર્ડ પર દર્શાવેલો ઈ-નિર્માણ નંબર અથવા ક્યૂઆર કોડ સ્કેન કરાવી રૂ. ૫માં ટોકન મેળવી ભોજન મેળવી
શકાય છે.
ભાવનગર જિલ્લામાં હાલ શ્રમિક અન્નપૂર્ણા યોજનાનાં છ કેન્દ્રો કાર્યરત છે. આ ઉપરાંત, બાંધકામ શ્રમિકોને
પ્રાથમિક સારવાર અને દવાઓ ઉપલબ્ધ કરાવવા માટે જિલ્લામાં સાત ધન્વંતરિ આરોગ્ય રથ દ્વારા
બાંધકામ સાઇટ અને કડિયાનાકા ખાતે ઓપીડી સેવાઓ પૂરી પાડવામાં આવે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રાજ્યના ૨૮ જિલ્લાઓમાં ૧૦૧ નવાં
શ્રમિક અન્નપૂર્ણા કેન્દ્રોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મહુવા નગરપાલિકાનાં પ્રમુખ શ્રીમતી મિતલબેન જોષી, ડ્રેનેજ સમિતિના નયનાબેન રાઠોડ,
જિલ્લા અને તાલુકાના અધિકારીઓ, પદાધિકારીઓ તથા યોજનાના લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.