અમરેલી

પરંપરાગત વાનગીઓ પર પ્રિઝર્વેટિવ્સનું ગ્રહણ: થેપલાં પણ હવે કેમિકલયુક્ત, સ્વાસ્થ્ય સામે મોટું જોખમ

તાજેતરમાં જન્માષ્ટમી, નાગપંચમી, રાંધણ છઠ્ઠ અને શીતળા સાતમ જેવા પર્વોની ઉજવણી પૂર્ણ થઈ છે. લોકોએ પર્વોનો આનંદ માણ્યો, પરંતુ આજના આધુનિક અને ફાસ્ટ યુગમાં કેમિકલ અને પ્રિઝર્વેટિવ્સની માયાજાળ હવે આપણા ઘરો સુધી અને રસોડા સુધી પહોંચી ગઈ છે. અત્યાર સુધી માત્ર પેક્ડ ફૂડ, કોલ્ડ ડ્રિંક્સ કે જંક ફૂડ પૂરતા મર્યાદિત મનાતા પ્રિઝર્વેટિવ્સ હવે ગુજરાતની ઓળખ સમી પરંપરાગત વાનગી ‘થેપલાં’ સુધી પણ વિસ્તરી ચૂક્યા છે.

​થેપલાંને લાંબા સમય સુધી પોચાં રાખવા અને તેની શેલ્ફ લાઈફ (આયુષ્ય) વધારવાના નામે બજારમાં ‘થેપલા પ્રિઝર્વેટિવ્સ’ વેચાઈ રહ્યા છે. જે વાનગીઓ આપણે હંમેશા તાજી, પૌષ્ટિક અને કુદરતી રીતે બનાવતા આવ્યા છીએ, તેમાં રાસાયણિક પાવડરો ઉમેરીને મહિના જૂનો ખોરાક ખાવાની માનસિકતા તરફ આપણને ધકેલવામાં આવી રહ્યા છે. જો આ જ સિલસિલો ચાલુ રહ્યો તો એ દિવસો દૂર નથી જ્યારે બજારમાં એક-એક મહિનો જૂની વાસી રોટલી અને દાળ-ભાત પણ ‘તાજા’ના નામે પેકેટમાં વેચાતા જોવા મળશે.

​અવારનવાર વિદેશી કંપનીઓ કે ખાનપાનની શૈલીને દોષ આપવામાં આવે છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે આ ખતરનાક ટ્રેન્ડ પાછળ સ્વયં આપણે અને આપણા જ લોકો જવાબદાર છીએ. વધુ નફો કમાવાની લહાયમાં અને તાત્કાલિક સુવિધા મેળવવાની ઘેલછામાં આપણે પોતે જ આપણા સ્વાસ્થ્ય સાથે ખીલવાડ કરી રહ્યા છીએ.

​હવા, પાણી અને હવે ખોરાક—દરેક જગ્યાએ કેમિકલનું આક્રમણ એટલું વધી ગયું છે કે ભવિષ્યમાં કશું જ કુદરતી રહેશે કે નહીં તે સવાલ ઊભો થયો છે. 

*તાજા રાંધેલા ” રસાયણ ” વિહિન ” આહાર જ ઔષધ ” છે.અન્ય આહારો ઘણા રોગોનું મૂળ છે. વિચારો તો ખરા વાહનના ઇંધણ માટે લડાઈ,વિરોધ કરનારા ” ખોરાક” પોતાની જાત,શરીરના ઇંધણ માટે સદંતર બેદરકાર છે.!!!*

પેક્ડ અને કેમિકલયુક્ત ખોરાકનો બહિષ્કાર કરીને ઘરમાં જ બનતા તાજા અને શુદ્ધ ખોરાક તરફ પાછા વળવું એ જ આ સમસ્યાનો એકમાત્ર વિશિષ્ટ ઉકેલ છે.

Related Posts