સાવરકુંડલા શહેરની પંચવટી સોસાયટી ખાતે જોગેશ્વર મહાદેવજીની મૂર્તિની સ્થાપના ખૂબ જ ભાવ, શ્રદ્ધા અને આસ્થા સાથે સંપૂર્ણ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર કરવામાં આવી હતી. આ ધાર્મિક અને ભક્તિમય પ્રસંગે શહેરના ધર્મપ્રેમી નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં સાવરકુંડલા સ્થિત હાથસણી રોડ પર આવેલા ‘માનવ મંદિર’ના સંચાલક અને સમાજસેવક પૂજ્ય ભક્તિરામબાપુએ વિશેષ ઉપસ્થિત રહીને ભાવિકોને પ્રેરક પ્રવચન આપ્યું હતું. તેમણે ગંભીરતા અને ભાવપૂર્વક જણાવ્યું હતું કે, “મંદિરનું નિર્માણ તો થઈ ગયું, પરંતુ હવે દરેક શ્રદ્ધાળુએ સવાર-સાંજ બે ટાઈમ દર્શન કરવા અવશ્ય આવવું જોઈએ. માત્ર મંદિર બનાવવું એ જ સનાતન પરંપરાનું હાર્દ નથી, પરંતુ તેની સાથે મંદિરના પૂજારીના ક્ષેમકુશળ અને તેમના જીવન નિર્વાહની કાળજી લેવી પણ એટલી જ જરૂરી છે.”
વધુમાં પૂ. બાપુએ ઉમેર્યું હતું કે, સનાતન સંસ્કૃતિમાં ધર્મ, અર્ચન, પૂજા અને સત્સંગની સાથે માનવતા, દયા અને કરુણા જળવાઈ રહે તે જ ખરું જીવન દર્શન છે.
ઉલ્લેખનીય છે કે પૂ. ભક્તિરામબાપુ માનવ ધર્મને શ્રેષ્ઠતમ ગણે છે. તેઓ હાથસણી રોડ સ્થિત માનવ મંદિર ખાતે સમાજથી તરછોડાયેલી મનોરોગી બહેનોની માતા અને પિતા તુલ્ય વાત્સલ્યથી સેવા-ચાકરી કરી રહ્યા છે. પ્રગતિશીલ વિચારો ધરાવવાની સાથે તેઓ ભારતીય સંસ્કૃતિને ધબકતી રાખવા સતત કાર્યરત છે. આ ઉપરાંત, તેઓ રામજી મંદિર તથા શિવ મંદિરના પૂજારીઓના બાળકોના નિઃશુલ્ક આવાસ અને શિક્ષણની જવાબદારી પણ નિભાવી રહ્યા છે. કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર માનવતાને કેન્દ્રમાં રાખીને સેવાકીય પ્રવૃત્તિઓ ચલાવતા પૂ. ભક્તિરામબાપુ ખરા અર્થમાં સમાજમાં માનવ ધર્મનું સંવર્ધન કરી રહ્યા છે.
જોગેશ્વર મહાદેવના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવથી સમગ્ર પંચવટી સોસાયટી અને આસપાસના વિસ્તારમાં ભક્તિમય અને પાવન વાતાવરણ સર્જાયું હતું.













Recent Comments