અમરેલી

સાવરકુંડલા નાગરિક સહકારી બેંકની ચૂંટણી: ૧૩ હજાર જેટલા સભાસદોમાંથી માત્ર ૩૩૧૦ જેટલા મતધારકો દ્વારા મતદાન થતાં લોકશાહીના મતદાન જાગૃતિ સામે પ્રશ્નાર્થ

​​અધિકારની આ વાતમાં 

નિષ્ક્રિય થયા કેટલાક લોકો 

સહકારનો દીપ હવે જાગૃતિ 

વિના થોડો પ્રગટશે ?

​સત્તા અને રાજકારણથી મુક્ત 

જો રાખી શકાય બેંકને,

તો જ જળવાશે હિત સભાસદનું, 

નહિતર વિશ્વાસ ટકશે ક્યાં?

–“પાંધી સર”

સાવરકુંડલા શહેરમાં આવેલ કે. કે. હાઈસ્કૂલ ખાતે ગતરોજ સાવરકુંડલા નાગરિક સહકારી બેંકના ૧૧ ડિરેક્ટરોના પદ માટે યોજાયેલી ચૂંટણી સહકારી ક્ષેત્રે એક અનોખો એસિડ ટેસ્ટ બની રહી હતી. શિક્ષકો, પત્રકારો, વેપારીઓ, વકીલો અને સેવાભાવી અગ્રણીઓ સહિત કુલ ૨૭ ઉમેદવારો આ ચૂંટણી જંગમાં નસીબ અજમાવી રહ્યા હતા. લલ્લુભાઈ શેઠના વિચારો અને સહકારી સૂત્રને વરેલા પાંચ અપક્ષ ઉમેદવારોએ પણ સભાસદોના હિત અને શ્રેષ્ઠ બેંકિંગ સુવિધાઓના સંકલ્પ સાથે ઝૂકાવ્યું હતું.

​આ ચૂંટણીમાં વ્યક્તિ કરતાં ઉમેદવારી ક્રમાંકનો પ્રચાર વિશેષ ચર્ચામાં રહ્યો હતો. મતદાન મથક નજીક જ સમર્થકો દ્વારા ખાલી નંબરો અને આંકડાની માયાજાળવાળી કાપલીઓ આપી મતદાન કરાવવાની અનોખી કરામત જોવા મળી હતી.!!! સભાસદોમાં પણ જ્ઞાતિવાદ, પરિવર્તન કે મજબૂત વિરોધ પક્ષ ચૂંટવાની વિવિધ માનસિકતા દેખાતી હતી. મતગણતરી વખતે અગિયારથી વધુ મત આપેલા, લીટા કરેલા, બે ઉમેદવારો વચ્ચે કે નામ પર સિક્કા મારેલા તેમજ કોરા બેલેટ પેપર નીકળતા ચૂંટણી અધિકારીએ વિવેકબુદ્ધિથી નિર્ણયો લીધા હતા.

*બેંકના ૧૩ હજારથી વધુ નોંધાયેલા સભાસદોમાંથી માત્ર ૩૩૧૦ જેટલું ઓછું મતદાન થવું એ સહકાર અને બેંકિંગ ક્ષેત્ર માટે લાલ બત્તી સમાન છે.* લોકો મતદાનમાં રસ કેમ નથી લેતા તે મનોમંથન અને સંશોધનનો વિષય છે. બેંક દ્વારા વધુમાં વધુ સભાસદો મતદાનમાં ભાગ લે અને સાચી રીતે મતદાન કરતા શીખે તે *માટે વર્કશોપ, સેમિનાર કે જાગૃતિ ઝુંબેશ ચલાવવી જરૂરી બની છે.* શહેરના બુદ્ધિજીવીઓનું માનવું છે કે બેંકને રાજકીય પક્ષોથી દૂર રાખી નિષ્ઠાવાન, પ્રામાણિક અને બિનરાજકીય વ્યક્તિઓને સુકાન સોંપવું જોઈએ, જેથી સભાસદો, ગ્રાહકો અને કર્મચારીઓનું હિત જળવાઈ રહે.

Related Posts