અમરેલી

સાવરકુંડલા તાલુકો બનશે સંપૂર્ણ ‘અંધાપા મુક્ત’: વિદ્યાગુરુ ફાઉન્ડેશન અને વિઝન ફાઉન્ડેશનનો સંયુક્ત મહાસંકલ્પ

આરોગ્ય ક્ષેત્રે રાષ્ટ્રીય સ્તરે સરાહનીય કામગીરી કરી રહેલા વિદ્યાગુરુ ફાઉન્ડેશન ટ્રસ્ટ અને વિઝન ફાઉન્ડેશન ઓફ ઈન્ડિયા (Vision Foundation of India) ના સંયુક્ત ઉપક્રમે સાવરકુંડલા તાલુકામાંથી અંધાપાને જડમૂળથી દૂર કરવા માટે એક વિશેષ મહા-અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. દેશના સુપ્રસિદ્ધ નેત્ર ચિકિત્સક અને વિઝન ફાઉન્ડેશનના પ્રણેતા ડો. કુલીનભાઈ કોઠારીના માર્ગદર્શન હેઠળ આગામી ૪ થી ૫ વર્ષના સમયગાળામાં સમગ્ર તાલુકાને સંપૂર્ણપણે “અંધાપા મુક્ત” (Blindness Free) બનાવવાનો દ્રઢ નિર્ધાર કરાયો છે.

​આ પ્રકલ્પ અંતર્ગત વિદ્યાગુરુ ફાઉન્ડેશન સંચાલિત લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર (ભરોસા બિલ્ડિંગ) ખાતે કાર્યરત આંખના વિભાગને વધુ વ્યાપક બનાવી સૌરાષ્ટ્રમાં સાવરકુંડલા અને રાજુલા ખાતે બે મુખ્ય કેન્દ્રો શરૂ કરવામાં આવી રહ્યા છે. આ મહા-અભિયાનમાં નવજાત શિશુથી લઈને વૃદ્ધાવસ્થા સુધીના તમામ વયજૂથના નાગરિકોની આંખોની મફત તપાસ અને સારવાર કરવામાં આવશે.

તાલુકાના ચારેય દિશાના ગ્રામ્ય વિસ્તારો (જેમ કે જીરા, વંડા, બાઢડા હાથસણી રોડ વગેરે) ખાતે ખાસ ‘વિઝન સેન્ટરો’ (નોંધણી અને પ્રાથમિક નિદાન કેન્દ્રો) શરૂ કરાશે. આ સેન્ટરો પર લાયકાત ધરાવતા ઓપ્ટોમેટ્રિશિયન અને ટેકનિશિયનો તૈનાત રહેશે, જેઓ સ્થાનિક સ્તરે જ નંબર ચકાસણી (Refraction) કે આંખની સાધારણ તકલીફોનું નિદાન કરશે. ગંભીર સમસ્યા ધરાવતા દર્દીઓને હોસ્પિટલ ખાતે લાવી આધુનિક ટેકનોલોજી દ્વારા નિષ્ણાત ટીમો દ્વારા તપાસ, સારવાર અને ઓપરેશન પૂરા પાડવામાં આવશે.

​વિદ્યાગુરુ ફાઉન્ડેશનના ટ્રસ્ટી અને પ્રમુખ હરેશભાઈ મહેતાએ જણાવ્યું હતું કે, ડો. કુલીનભાઈ કોઠારી અને વિઝન ફાઉન્ડેશનના આ ઉમદા વિઝન પ્રકલ્પને સાવરકુંડલાના આંગણે લાવવાની તક મળવી એ ગૌરવની વાત છે. આધુનિક ટેકનોલોજી અને તબીબી સેવાઓના સમન્વયથી તાલુકાના એકપણ નાગરિક દ્રષ્ટિહીન ન રહે તે માટે બંને સંસ્થાઓ કટિબદ્ધ બનીને કાર્ય કરશે.

Related Posts