સાવરકુંડલા શહેરમાં આવેલ માર્કેટિંગ યાર્ડ નજીકના રેલવે ફાટક પાસે તાજેતરમાં એક અકસ્માત બનતા બનતા રહી ગયો હતો. બે-ત્રણ દિવસ પહેલાં જ્યારે આ ફાટક પરથી એક માલગાડી પસાર થઈ રહી હતી, ત્યારે નિયમ મુજબ ફાટક બંધ કરવામાં આવ્યું હતું. માલગાડી પસાર થઈ ગયા બાદ હજુ તો ફાટક ખુલ્યું પણ ન હોતું, તે જ સમયે એક ગાય અચાનક રેલવે પાટા પર ચાલતી જોવા મળી હતી.
જો આ ઘટના માલગાડી પસાર થવાના એકાદ મિનિટ પહેલાં બની હોત, તો નિઃશંકપણે આ મૂંગું પશુ કાળનો કોળિયો બની ગયું હોત અને અકસ્માત સર્જાયો હોત. ફાટક ખુલવાની રાહ જોઈને ઊભેલા સાવરકુંડલાના વરિષ્ઠ પત્રકાર બિપીનભાઈ પાંધીએ આ સંવેદનશીલ દ્રશ્ય પોતાના કેમેરામાં કંડારી લીધું હતું.
આ ઘટનાએ રેલવે ટ્રેક પર રખડતાં-ભટકતાં પશુઓની સુરક્ષા અને રેલવે તંત્રની બેદરકારી સામે અનેક સવાલો ઊભા કર્યા છે. સ્થાનિક નાગરિકો અને પશુપ્રેમીઓમાં એ વાતની ચર્ચા છે કે, ભલે આ જમીન રેલવે તંત્રની માલિકીની હોય અને ફાટક પણ બંધ હોય, પરંતુ મૂંગા અને અબોલ પ્રાણીઓને કાયદા કે ફાટક બંધ હોવાની ભાન કેવી રીતે હોય?
રેલવે ટ્રેક પર અવારનવાર પશુઓ અથડાવાની ઘટનાઓ બનતી હોય છે, ત્યારે રેલવે તંત્ર દ્વારા આવા અબોલ જીવોના રક્ષણ માટે કોઈ ચોક્કસ અને અસરકારક પોલિસી બનાવવામાં આવે તે અત્યંત જરૂરી બન્યું છે. ટ્રેક પર પશુઓનું આવવું અટકાવવા માટે યોગ્ય ફેન્સિંગ અથવા પ્રોટેક્શન વોલ જેવી વ્યવસ્થા કરવામાં આવે, જેથી કરીને ભવિષ્યમાં કોઈ મૂંગું પ્રાણી અકસ્માતનો ભોગ ન બને અને રેલવે વ્યવહાર પણ સુરક્ષિત રહે.














Recent Comments