અમરેલી

અમરેલી મુકામે જિલ્લાકક્ષા નવરાત્રી રાસ-ગરબા સ્પર્ધા ૨૦૨૬-૨૭ યોજાઈ

કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા વહીવટી તંત્ર અમરેલીની રાહબરી નીચે જિલ્લા જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, અમરેલી દ્વારા સંચાલિત અને શ્રી અમરેલી જિલ્લા લેઉવા ચેરીટેબલ ટ્રસ્ટ સુરતના સહયોગથી જીલ્લાકક્ષા નવરાત્રી રાસ-ગરબા મહોત્સવને નિર્ણાયકશ્રી પ્રફુલભાઈ ઠાકર, જોલીબેન કાલાવાડીયા, અરૂણાબેન માલાણી તથા જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી વી.બી.પરમાર દ્વારા ખુલ્લો મુકેલ હતો.

આ મહોત્સવમાં અલગ અલગ વય જૂથમાં ૧૪ ટીમોએ ભાગ લીધેલ અને કુલ ૩૬૦ જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ તકે જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી વિક્રમસિંહ પરમારે જણાવ્યું હતું કે, ગુજરાતના ૧૪ વર્ષ થી ૪૦ વર્ષની વયજૂથના કલાકારોને પ્રોત્સાહિત કરવાના હેતુ સાથે ગુજરાત સરકાર પ્રતિ વર્ષ નવરાત્રી રાસ-ગરબા સ્પર્ધાનું આયોજન કરે છે. જેમાં અર્વાચીન ગરબા અને પ્રાચીન ગરબા માટે ૧૪ થી ૩૫ વર્ષની વય ધરાવતા તથા રાસ માટે ૧૪ થી ૪૦ વર્ષની વય ધરાવતા યુવક યુવતીઓ ભાગ લીધો હતો અને દરેક કલાકારોએ પોતાની કલાના કામણ પાથર્યા હતા.

આ નવરાત્રી રાસ-ગરબા સ્પર્ધામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરનાર ટીમનાં કલાકારો આગામી સમયમાં રાજ્યકક્ષાએ અમરેલી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. આ તકે સંસ્થાનાં નિયામકશ્રી મનસુખભાઈ ધાનાણી, વિદ્યાસભા સ્કુલના કેમ્પસ ડાયરેક્ટરશ્રી વસંતભાઈ પેથાણી તથા જિલ્લા યુવા વિકાસ અધિકારી વી.બી.પરમાર દ્વારા સર્વે સ્પર્ધકોને શુભકામના પાઠવામાં આવી હતી તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારીની યાદીમાં જણાવવામાં આવ્યું હતું.

Related Posts