ભાવનગર શિશુ વિહાર ખાતે 1000 કિશોરીઓને સ્વાસ્થ્ય અને સુરક્ષા અંગે સક્ષમ બનાવવાનો તાલીમ કાર્યક્રમ શરૂ
કિશોરીઓને સ્વાસ્થ્ય, સ્વચ્છતા, માનસિક મજબૂતી અને સુરક્ષા અંગે જાગૃત અને સક્ષમ બનાવવાના હેતુથી શિશુવિહાર સંસ્થા અને વાઘબકરી ટી ફાઉન્ડેશન દ્વારા ICDS, ભાવનગરના સહયોગથી તબક્કાવાર તાલીમ કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો છે. શહેરની 1000 કિશોરીઓ સુધી આ તાલીમ પહોંચાડવામાં આવશે.
દર ગુરુવાર અને શુક્રવારે યોજાનારી તાલીમમાં સેજિના હાશ્મી દ્વારા HB ચેકિંગ, કોર્પોરેશનના અર્બન હેલ્થ સેન્ટરના ડૉ. શરદ પંડ્યા દ્વારા કિશોરી સ્વાસ્થ્ય અને સ્વચ્છતા અંગે તથા ડૉ. નેહલ બી. ત્રિવેદી દ્વારા સારા-ખરાબ સ્પર્શ, ‘ના’ કહેવાની આવડત, મુશ્કેલીના સમયે મદદ મેળવવાની રીતો અને મહિલાઓને ઉપયોગી કાયદાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવશે.
કાર્યક્રમની રૂપરેખામાં Protection and Safety સહિત સ્વાસ્થ્ય-સ્વચ્છતાના વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ તાલીમના ઉદ્ઘાટન પ્રસંગે શિશુવિહાર સંસ્થાના મંત્રી ડૉ. નાનકભાઈ ભટ્ટ દ્વારા કાર્યક્રમના ઉદ્દેશ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વાઘબકરી ટી ફાઉન્ડેશનના શ્રી અજયભાઈ સિસિલિયા દ્વારા શુભેચ્છા સંદેશ પાઠવવામાં આવ્યો હતો. આ પ્રસંગે CSR ઑફિસર shri મિલનભાઈ અને વાઘબકરી ચાના ભાવનગરના સેલ્સ ઓફિસરના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. ICDS પ્રોજેક્ટ ઓફિસર શ્રી પાયલબહેન દ્વારા કિશોરીઓ માટે હાથ ધરવામાં આવેલા આ પ્રયાસને બિરદાવ્યો હતો.
તાલીમ પૂર્ણ થયા બાદ કિશોરીઓ માટે ભોજન અને વાહન વ્યવહારની સુવિધા પણ સંસ્થા દ્વારા કરવામાં આવશે. કિશોરીઓને સ્વસ્થ, જાગૃત, આત્મવિશ્વાસુ અને સુરક્ષિત બનાવવાની દિશામાં આ પહેલ મહત્વપૂર્ણ બની રહેશે.


















Recent Comments