fbpx
રાષ્ટ્રીય

આજે બપોરે ૪ કલાકે અંતિમવિધિ કરાશે, પ્રિયંકા-રાહુલ ગાંધી હાજર રહે તેવી શક્યતા ૪ વખત રાજ્યના મુખ્યમંત્રી રહેલા માધવસિંહ સોલંકીનું ૯૪ વર્ષની વયે નિધન

રાષ્ટ્રપતિ,વડાપ્રધાન, મુખ્યમંત્રી, ના.મુખ્યમંત્રીએ દુઃખ વ્યક્ત કર્યું, પરિવારને સાંત્વના પાઠવી, રાજ્યમાં એક દિવસનો શોક
ખામ થિયરી અને મધ્યાહન ભોજનનો વિચાર સૌથી પહેલા તેમણે રજૂ કર્યો હતો

કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ કેન્દ્રીય વિદેશ મંત્રી અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી રહી ચૂકેલા માધવસિંહ સોલંકીનું નાદુરસ્ત તબીયતના કારણે આજે વહેલી સવારે ગાંધીનગર સ્થિત તેમના નિવાસસ્થાને અવસાન થયું છે. ભરતસિંહ સોલંકી આવતી કાલે એટલે રવિવારે સવારે અમેરિકાથી પરત ફરશે જે બાદ બપોરના ૪ કલાકે માધવસિંહ સોલંકીની અંતિમ વિધી કરવામાં આવશે. આવતીકાલે સદગતની અંતિમવિધિમાં કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી અથવા પ્રિયંકા ગાંધી આવે એવી શકયતા છે.
સીએમ રૂપાણીએ રાજ્યમાં માધવસિંહ સોલંકીના સન્માનમાં એક દિવસનો શોક પાળવાની જાહેરાત કરી છે. માધવસિંહ સોલંકીની અંતિમ સંસ્કાર સંપૂર્ણ રાજકીય સન્માન સાથે કરવાનો ર્નિણય પણ રૂપાણીએ કર્યો છે. આ સાથે જ રૂપાણીએ આજના તેમના મહીસાગર જિલ્લાના કાર્યક્રમો રદ કર્યા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીએ પણ શ્રદ્ધાંજલિ આપી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીના દુઃખદ અવસાન અંગે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી શ્રદ્ધાંજલિ પાઠવી છે.
માધવસિંહ સોલંકીએ ૪ વખત ગુજરાતના મુખ્યમંત્રી તરીકે પદ સંભાળ્યું હતું. માધવસિંહ સોલંકી ખામ થિયરી માટે જાણીતા થયેલા. જેના થકી તેઓ ૧૯૮૦માં ગુજરાતમાં સત્તામાં આવેલા.
ઉલ્લેખનીય છે કે, માધવસિંહ સોલંકી ગુજરાતમાં સૌથી વધુ બેઠકો સાથે શાસન કરનાર એકમાત્ર નેતા રહી ચૂક્યાં છે. વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ તેમનો રેકોર્ડ તોડી શક્યા નહતા.
માધવસિંહ સોલંકીનો જન્મ ૩૦ જુલાઈ, ૧૯૨૮ના રોજ ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં આવેલા પિલુદરા ગામમાં રોજ થયો હતો. તેઓ સૌ પ્રથમ ૧૯૫૭માં મુંબઈ રાજ્યની વિધાનસભામાં ચૂંટાયા હતા. જાે કે ૧૯૬૦માં વિભાજન બાદ તેઓ ગુજરાત વિધાનસભાના સભ્ય બન્યા હતા.
માધવસિંહની ૧૯૭૫માં ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હતી. જે બાદ ૨૪-ડિસેમ્બરે, ૧૯૭૬ના રોજ માધવસિંહ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા. જાે કે ખૂબ જ ટૂંકા સમય બાદ ૧૧ એપ્રિલ, ૧૯૭૭ના રોજ તેમણે પોતાના મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દીધુ હતું.
જે બાદ બીજી વખત ૬ જૂન,૧૯૮૦માં માધવસિંહ ફરીથી મુખ્યમંત્રી બન્યા હતા. તે સમયે તેમણે ૧૯૮૫ સુધી પોતાનો મુખ્યમંત્રી તરીકેનો કાર્યકાળ પૂરો કર્યો હતો. તેમના કાર્યકાળ દરમિયાન રાજ્યમાં ઉદ્યોગ, શિક્ષણ, વીજળી, સિંચાઈ, પછાત વર્ગોના વિકાસ વગેરે ક્ષેત્રોમાં કામગીરી કરવામાં આવી હતી.
ગુજરાત વિધાનસભામાં ૫ વર્ષનો કાર્યકાળ પૂરો કરનારા પ્રથમ મુખ્યમંત્રી બનનારા માધવસિંહ સોલંકીને ફરીથી રાજ્યના મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. જાે કે ૬ જુલાઈ, ૧૯૮૫ના રોજ તેમણે રાજીનામું આપી દીધૂ હતું.
૧૦ ડિસેમ્બર, ૧૯૮૯ના રોજ અમરસિંહ ચૌધરીએ રાજીનામું આપતા માધવસિંહ સોલંકીને પુનઃગુજરાતના મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા.
જે બાદ ફેબ્રુઆરી-૧૯૯૦માં ગુજરાત વિધાનસભાની ૮મીં ચૂંટણીમાં કોંગ્રેસે નિરાશાજનક પ્રદર્શન કરતા ૧૮૨માંથી માત્ર ૩૩ બેઠકો જ મળતા માધવસિંહ સોલંકીએ માર્ચ-૧૯૯૦માં મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દીધુ હતું.
માધવસિંહ સોલંકીએ રાજ્યમાં ઈસરોને જમીન આપી હતી અને તેમના શાસનકાળ દરમિયાન જ શાળાઓમાં મધ્યાહન ભોજન યોજના લાવવામાં આવી હતી. માધવસિંહ સોલંકી ૧૯૮૭થી બે વખત રાજ્યસભાના સાંસદ તરીકે પણ ચૂંટાયા અને કેન્દ્રમાં વિદેશ પ્રધાન પણ રહી ચૂક્યાં છે.

Follow Me:

Related Posts