અમરેલી

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ અમરેલી જિલ્લાના ત્રાકુડા મુકામે પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂત અશ્વિનભાઈ દુધાતના ખેતરની મુલાકાત લીધી

અમરેલી જિલ્લાના ત્રાકુડાની બે દિવસીય મુલાકાતે પધારેલા રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂત શ્રી અશ્વિનભાઈ દુધાતના ખેતરની મુલાકાત લીધી હતી. રાજ્યપાલશ્રીએ શ્રી દુધાત દ્વારા તૈયાર કરવામાં આવેલા કેરીના બગીચાની મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું હતું.

આ મુલાકાત વેળાએ  રાજ્યપાલશ્રીએ ખેડૂતોને રાસાયણિક ખાતરયુક્ત ખેતી છોડી અને પ્રાકૃતિક ખેતી અપનાવવા માટે આહવાન કર્યું હતું. તેમણે ખેડૂતોને ઓછા ઉત્પાદનનો ડર રાખ્યા વગર પ્રાકૃતિક કૃષિના પાંચ આયામો અપનાવી લોક કલ્યાણકારી ખેતી અપનાવવા માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

રાજ્યપાલશ્રીએ આ મુલાકાત દરમિયાન ખેડૂતો સાથે આત્મીયતાભર્યો સંવાદ કર્યો હતો તથા પ્રાકૃતિક કૃષિ કરતાં ખેડૂતોના પ્રોત્સાહક અનુભવો જાણી હર્ષ વ્યક્ત કર્યો હતો.

આ મુલાકાત દરમિયાન તેમણે ખેડૂતોને જીવામૃત, ધનજીવામૃત તૈયાર કરવાની પદ્ધતિનું પ્રત્યક્ષ

માર્ગદર્શન પણ આપ્યું હતું.

રાજ્યપાલશ્રીએ ખેડૂતોને જણાવ્યું હતું કે, ખેડૂતો પ્રાકૃતિક કૃષિના પાંચ આયામો બીજામૃત, જીવામૃત, ધનજીવામૃત, આચ્છાદન, મિશ્રપાક પદ્ધતિ અનુસાર ખેતી કરશે તો પ્રથમ વર્ષથી જ સારું ઉત્પાદન મળી શકે છે. અળસિયા અને સુક્ષ્મ જીવાણુ પ્રાકૃતિક ખેતીનો આત્મા છે, જે રસાયણોના કારણે નાશ પામે છે જેના લીધે જમીન બંજર બની રહી છે.

આ પ્રસંગે રાજ્યપાલશ્રીએ પાકોમાં થતા રોગના પ્રાકૃતિક નિવારણ અંગે માર્ગદર્શન આપ્યું હતું.

ત્રાકુડા ગામ આગામી ચાર વર્ષમાં સંપૂર્ણ પ્રાકૃતિક કૃષિ આધારિત ખેતી કરતું ગામ બને તે માટે રાજ્યપાલશ્રીએ ખેડૂતોને સંકલ્પબદ્ધ થવા જણાવ્યું હતું.

આ કાર્યક્રમમાં ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારીશ્રી કે.જે.જાડેજા, પ્રાંત અધિકારી (ધારી-ખાંભા) શ્રી અર્પણ ચાવડા, આત્માના પ્રોજેક્ટ ડાયરેક્ટરશ્રી મહેશ ઝીડ, શ્રી રાકેશ દુધાત તેમજ ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts