ગુજરાત

તુવેરની દાળના ભાવ મુદ્દે વિધાનસભામાં ભાજપ-કોંગ્રેસની સામસામે આક્ષેપબાજી

ગુજરાત વિધાનસભાનું ગૃહ આજે તુવેર દાળના મુદ્દે ગાજી ઉઠ્યું હતું. તુવેર દાળના મુદ્દા પર ગૃહમાં હોબાળો થયો હતો. તુવેર દાળના ભાવને લઈને ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યોએ સામસામે આક્ષેપબાજી કરી હતી. ત્યારે આ વચ્ચે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગૃહમાં ચેલેન્જ ફેંકી હતી કે, બજારમાં ક્યાંય પણ ૩૯ રૂપે તુવેરની દાળ મળતી હોય તો અમે બધા જવાબ આપવા તૈયાર છીએ. આ મુદ્દે ધમાસાણ થતા કોંગ્રેસના ધારાસભ્યો ઋત્વિક મકવાણા અને અમરીશ ડેર તેમજ ભાજપના શશીકાંત પંડ્યાને ગૃહમાં ખલેલ ઉભા કરવાના મુદ્દે અધ્યક્ષે ગૃહની બહાર મૂક્યા હતા.

તુવેરના ભાવના મુદ્દા ઉપર કોંગ્રેસે આજે ગૃહમાં સરકારને ધેરી લીધી હતી. ત્યારે તેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીને દરમિયાનગીરી કરવી પડી હતી. કોંગ્રેસના ધારાસભ્યોએ તુવેર દાળના મુદ્દા ઉપર ગૃહમાં હોબાળો મચાવ્યો હતો. પરંતુ મુખ્યમંત્રીના જવાબથી પણ સંતોષ નહીં થતા કોંગ્રેસ આક્રમક મોડમાં આવી ગઈ હતી. તુવરે અને તુવેર દાળના ભાવને લઈને ગૃહમાં કોંગ્રેસના કિરીટ પટેલે કહ્યું કે, સરકાર તુવેર ટેકાના ભાવે ૩૯ રૂપિયા ખરીદે છે, તો લોકોને કેમ ૬૧ રૂપિયે આપે છે. આ તફાવત બે મહિનાના ગાળા માટે આવી રહ્યો છે. ત્યારે તેના જવાબમાં મંત્રી જયેશ રાદડિયાએ કહ્યું હતું કે, રાજ્ય સરકાર કોઇ ખરીદી કરતુ નથી. કેન્દ્ર સરકાર અને નાફેડ ખરીદી કરે છે. તમારા આંકડા ખોટા છે. સરકારે ફેબ્રુઆરી ૨૦૨૧ માં ખરીદી માટે પરીપત્ર કર્યો છે. તુવર અને તુવર દાળ અલગ છે. તુવેરને ખરીદીને એના પર પ્રોસેસ કરીને દાળ બનાવાય છે. કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે તુવેરની દાળની ખરીદીમાં સરકારના પરિપત્રમાં ૩૯ રૂપિયા ખરીદી અને મુખ્યમંત્રી અને મંત્રીના નિવેદનમાં ૯૧ રૂપે ખરીદીની વાત છે એટલે તફાવત ૫૨ રૂપિયાનો પડે છે તેવું જણાવ્યું હતું.

ત્યારે ભાવ મામલે દરમિયાનગીરી કરીને મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, અમે તુવેરદાળ ૯૧ રૂપિયે ખરીદીને ગરીબોને ૬૧ રૂપિયે આપી છે. પ્રતિ કિલો ૩૦ રૂપિયાની સબસીડી કે સહાય સરકારે ભોગવી છે. જે ભાવથી માલ આવ્યો એ ભાવથી વેચાણ કરીએ છીએ, ગરીબોને ઓછા ભાવ મળે તે માટે ૯૧ રૂપિયા દાળ ખરીદી ૬૧ રૂપીએ દાળ વિતરણ કરી છે. પ્રતિ કિલો ૩૦ રૂપિયાની સહાય આપી છે. જે તે સમયે ભાવ વધારે હતો, અમે ગરીબોને સસ્તું અનાજ મળે માટે ઓછા ભાવે વિતરણ થયું. ત્યારે આ વચ્ચે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગૃહમાં ચેલેન્જ ફેંકી હતી કે, બજારમાં ક્યાંય પણ ૩૯ રૂપે તુવેરની દાળ મળતી હોય તો અમે બધા જવાબ આપવા તૈયાર છીએ. આ મુદ્દે ધમાસાણ થતા કોંગ્રેસના ધારાસભ્યો ઋત્વિક મકવાણા અને અમરીશ ડેર તેમજ ભાજપના શશીકાંત પંડ્યાને ગૃહમાં ખલેલ ઉભા કરવાના મુદ્દે અધ્યક્ષે ગૃહની બહાર મૂક્યા હતા.

Follow Me:

Related Posts