fbpx
ગુજરાત

વડોદરામાં બે ફેરિયા વચ્ચે થયેલ ઝઘડામાં બીજા પરનો ચાકુ વડે હુમલો

વડોદરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નં-૧ ઉપર બે ફેરિયા વચ્ચે ફેરી કરવા બાબતે થયેલા ઝઘડામાં એક ફેરિયાએ બીજા પર ચાકુ વડે હુમલો કર્યો હતો. ફેરિયાને લોહીલુહાણ હાલતમાં સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ સમગ્ર ઘટના રેલવે સ્ટેશનના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી.

વડોદરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નં-૧ પર ગુરુવારે બપોરે સાડાત્રણ વાગ્યાના અરસામાં નિત્યાનંદ ઉર્ફે કુંદન દુબે નામના ફેરિયાને મનોજકુમાર રામશુંગાર(ઉં.૩૫), (રહે, પીરામણ, જિ.ભરૂચ, મૂળ રહે, ઉત્તરપ્રદેશ) નામના ફેરિયા સાથે ગાડીઓમાં ફેરી કરવા બાબતે ઝઘડો થયો હતો. નિત્યાનંદ ઉર્ફે કુંદન દુબે નામના ફેરિયાને મનોજકુમાર રામશુંગારને કહ્યું હતું કે ‘તારે આ ટ્રેનમાં ફેરી કરવી નહીં,’ જાેકે મનોજ તેની વાત ન માનતાં બંને વચ્ચે માથાકૂટ થઇ હતી. ઉશ્કેરાયેલા નિત્યાનંદે મનોજ પર ચાકુ વડે જીવલેણ હુમલો કર્યો હતો, જેથી મનોજને છાતીમાં તથા ડાબા હાથે અને આંગળી પર ઇજા પહોંચતાં તેને લોહીલુહાણ હાલતમાં સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડાયો હતો.

હુમલાખોરે પગમાં છુપાવીને લાવેલા ચપ્પુથી હુમલો કર્યો હતો. હુમલાખોરે મનોજકુમાર રામશુંગારની હત્યા કરવાના ઇરાદે છાતી અને બંને હાથ પર ચાકુના ઘા માર્યા હતા અને સ્થળ પરથી ફરાર થઇ ગયો હતો. જાેકે સમગ્ર ઘટના રેલવે સ્ટેશનના સીસીટીવીમાં કેદ થઇ ગઇ હતી.

રેલવે પોલીસને આ મામલે જાણ થતાં પીઆઇ જાડેજા સહિતનો કાફલો હોસ્પિટલમાં પહોંચ્યો હતો અને યુવકની પૂછપરછ કરીને તપાસ શરૂ કરી હતી. એલસીબીએ ગણતરીના કલાકોમાં જ હુમલાખોર ૧૯ વર્ષીય નિત્યાનંદ ઉર્ફે કુંદન દુબેને પરશુરામ ભઠ્ઠા પાસેથી ઝડપી પાડ્યો હતો.

પીઆઇ જાડેજાએ જણાવ્યું હતું કે બે ફેરિયા વચ્ચે ફેરી કરવા બાબતે ઝઘડો થયો હતો અને જેમાં એક ફેરિયાએ બીજા ફેરિયા પર ચાકુ વડે હુમલો કર્યો હતો, જાેકે ઇજાગ્રસ્ત યુવક ભાનમાં છે અને આરોપીને ઝડપી પાડીને અમે તેની પૂછપરછ શરૂ કરી છે.

Follow Me:

Related Posts