અમરેલી

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સાવરકુંડલા ખાતે ૩૫૦મો વિનામૂલ્યે મહા નેત્ર નિદાન યજ્ઞ સંપન્ન: ૭૫ દર્દીઓની તપાસ, ૦૮ દર્દીઓને ફ્રી ઓપરેશન માટે મોકલાયા

સમાજસેવાના પવિત્ર ધ્યેયને સાકાર કરતી જાણીતી સંસ્થા શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ, સાવરકુંડલા દ્વારા દર માસના પ્રથમ શુક્રવારે યોજાતી નેત્રસેવા શ્રેણી અંતર્ગત આજે તા. ૦૭/૦૮/૨૦૨૬ના રોજ પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી જ્ઞાનપ્રસાદદાસજી સ્વામીની પાવન સ્મૃતિમાં ૩૫૦મા વિનામૂલ્યે મહા નેત્ર નિદાન યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

​૭૫ દર્દીઓની તપાસ અને નિઃશુલ્ક સારવાર

આ કેમ્પમાં વિરનગર હોસ્પિટલના સુપર સ્પેશિયાલિસ્ટ નેત્રરોગ નિષ્ણાત ડોક્ટરો દ્વારા કુલ ૭૫ જરૂરિયાતમંદ દર્દીઓની આંખોની ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી. જેમાંથી મોતિયાના ઓપરેશનની જરૂરિયાત ધરાવતા ૦૮ દર્દીઓને શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ દ્વારા વિરનગર આંખ હોસ્પિટલ ખાતે સંપૂર્ણ વિનામૂલ્યે ઓપરેશન કરાવવા માટે મોકલવામાં આવ્યા હતા. આ ઉપરાંત, કેમ્પમાં ઉપસ્થિત અન્ય દર્દીઓને સંસ્થા તરફથી વિનામૂલ્યે ચશ્મા તથા જરૂરી દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.

નેત્રયજ્ઞનો પ્રારંભ સંસ્થાના વડા પરમ પૂજ્ય શાસ્ત્રી ભગવતપ્રસાદદાસજી સ્વામીના આશીર્વાદ સાથે થયો હતો. આ પ્રસંગે દાતાશ્રી ચંદ્રિકાબેન કામદાર વતી શ્રી કનુભાઈ ગેડીયા, નૂતન કેળવણી મંડળના શ્રી જયંતીભાઈ વાટલિયા, વિરનગર હોસ્પિટલની ડોક્ટર્સ ટીમ તથા ગુરુકુળ હોસ્પિટલના ડૉ. નિલેશભાઈ ત્રિવેદી સહિતના મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું.

આ નેત્રયજ્ઞના મુખ્ય યજમાનપદે મુંબઈના સંસ્થાના પરામર્શક દાતાશ્રી ધીરજલાલ કાનજીભાઈ ઘેલાણી (હસ્તે: ચંદ્રિકાબેન કામદાર) રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન સંસ્થાના કોઠારી પૂજ્ય અક્ષરમુક્તદાસજી સ્વામીના કુશળ માર્ગદર્શન અને સાનિધ્યમાં કરવામાં આવ્યું હતું.

કેમ્પમાં પધારેલા તમામ દર્દીનારાયણો માટે ચા સાથે જલેબી, ફાફડા અને મરચા-સંભારા સહિતના સ્વાદિષ્ટ નાસ્તાની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. આ કેમ્પને સફળ બનાવવા માટે ગુરુકુળના સંતો, કર્મચારીઓ અને સેવકોએ ઉત્સાહપૂર્વક સેવાઓ આપી હતી.

​ઉલ્લેખનીય છે કે સાવરકુંડલા ગુરુકુળ છેલ્લા ઘણા વર્ષોથી સતત આ સેવાકીય કાર્યક્રમ ચલાવીને હજારો દર્દીઓને નવી દ્રષ્ટિ અને આશા પૂરી પાડી રહ્યું છે, જે સમાજ માટે માનવસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.

Related Posts