“સ્વચ્છતા ત્યાં પ્રભુતા” અને “સુવર્ણ કુંડલા” જેવા મોટા મોટા નારાઓ અને નેતાઓના ભાષણો વચ્ચે સાવરકુંડલા શહેરની ધરાતલ પરની વાસ્તવિકતા કંઈક જુદી જ ચિત્ર રજૂ કરી રહી છે. શહેરમાં એક તરફ માનવ વસ્તી અને જરૂરિયાત પ્રમાણે જાહેર શૌચાલયોની સંખ્યા અતિ અલ્પ છે, તો બીજી તરફ ઉપલબ્ધ થોડા-ઘણા શૌચાલયો અને યુરિનલો તંત્રની ઘોર બેદરકારીના કારણે અત્યંત દયનીય અને દુર્ગંધયુક્ત સ્થિતિમાં ફેરવાઈ ગયા છે.
શૌચાલય એ માનવ જીવનની પ્રાથમિક અને કુદરતી જરૂરિયાત છે, જ્યાં કોઈ પણ ભેદભાવ વગર દરેક નાગરિકને જવું પડે છે. ખાસ કરીને મહિલાઓ, વૃદ્ધો અને દિવ્યાંગજનો માટે યોગ્ય અંતરે અને પૂરતી સંખ્યામાં સ્વચ્છ શૌચાલય હોવા અત્યંત આવશ્યક છે. પરંતુ સાવરકુંડલાના અનેક વિસ્તારોમાં સ્થિતિ એટલી હદે વણસી છે કે શૌચાલયની અંદર પ્રવેશ કરવો એટલે રોગચાળાને સીધું નિમંત્રણ આપવા જેવી પરિસ્થિતિ સર્જાઈ છે.
મુખ્ય વિસ્તારોની જમીની હકીકત અને દુર્દશા:
દેવળા ઝાંપા એસ.ટી. પીકઅપ સ્ટેન્ડ: અહીં યોગ્ય છાપરી કે ટોઇલેટની સુવિધા જ નથી. લાંબો સમય બસની રાહ જોતી મહિલા મુસાફરોને કુદરતી હાજત રોકવી પડે છે અથવા આસપાસના મકાનોના દરવાજા ખટખટાવવાની ફરજ પડે છે, જે પ્રશાસન માટે અત્યંત શરમજનક બાબત છે.
મેઇન બજાર (શાહીવાળાનો ખાંચો): અહીં આવેલું મહિલા શૌચાલય ભારે ક્ષતિગ્રસ્ત છે અને નિયમિત સફાઈના અભાવે માથું ફાડી નાખે તેવી દુર્ગંધ મારે છે. આસપાસના વેપારીઓ પોતાના નાના બાળકોનું આરોગ્ય જોખમાવાના ડરે તેમને દુકાને લાવવાનું પણ ટાળી રહ્યા છે.
ખોડીયાર ચોક અને મેલડી ચોક: ખોડીયાર ચોક ખાતે આવેલ એક ખાનાવાળા યુરિનલ તેમજ મેલડી ચોકના પુરુષ યુરિનલમાં બે ટંક યોગ્ય સફાઈનો મોટો અભાવ વર્તાઈ રહ્યો છે.
રજકાપીઠ અને ખાતરવાડી શાક માર્કેટ: આ બંને ગીચ વિસ્તારોમાં આવેલા યુરિનલો ગંદકીથી ખદબદી રહ્યા છે.
વ્યાયામ મંદિર પુલ તથા જૂનું બસ સ્ટેન્ડ: બેઠકજી તરફ જતા રસ્તા પરના ટોયલેટ તેમજ જૂના બસ સ્ટેન્ડના શૌચાલયોમાં અસહ્ય ગંદકીના કારણે લોકો ભારે મુશ્કેલી ભોગવી રહ્યા છે.તો કુમાર શાળા કે જે હાલ બંધ સ્થિતિમાં છે તેના પાછળના ભાગમાં નદી કિનારે આવેલા શૌચાલયની સ્થિતિ સંદર્ભ તંત્ર દ્વારા વિચાર કરવો જોઈએ તો સંઘેડિયા બઝારના વળાંક ખાતે આવેલ શૌચાલયના દરવાજા જ ગાયબ છે.!
અનેક શૌચાલયોમાંથી દરવાજા, નળ અને અન્ય ફિટિંગ્સ ગાયબ થઈ ગયા છે, જેના કારણે ખાસ કરીને મહિલાઓની સુરક્ષા અને પ્રાઇવસી સામે મોટા પ્રશ્નાર્થો ઊભા થયા છે.
શહેરમાં રિવરફ્રન્ટ બને કે અન્ય સુશોભન થાય તે આવકારદાયક છે, પરંતુ વિકાસની ખરી વ્યાખ્યા પ્રાથમિક સગવડોની ઉપલબ્ધતાથી શરૂ થાય છે. બુદ્ધિજીવીઓ અને સ્થાનિક નાગરિકોમાં ચર્ચાઈ રહ્યું છે કે, નગરપાલિકા દ્વારા શહેરના તમામ શૌચાલયોમાં પર્યાપ્ત પાણી, ફિનાઇલ અને દવાનો ઉપયોગ કરીને બે ટાઈમ નિયમિત સફાઈ કરવામાં આવે તે તંત્રની પ્રાથમિક ફરજ છે.
માત્ર તંત્ર પર દોષારોપણ કરવાને બદલે નાગરિકોએ પણ જાહેર મિલકતોનો યોગ્ય ઉપયોગ કરીને સ્વચ્છતા પ્રત્યે જાગૃત બનવું પડશે. સ્થાનિક તંત્ર અને જનપ્રતિનિધિઓ કાગળ પર કે ભાષણોમાં દાવા કરવાને બદલે જમીની હકીકત સમજીને જાહેર શૌચાલયોની સંખ્યા વધારે, દિવ્યાંગ અનુકૂળ સુવિધાઓ ઊભી કરે અને શૌચાલયોને અરીસા જેવા ચકચકાટ રાખે તેવી લોકમાંગ ઊઠી રહી છે.


















Recent Comments