અમરેલી

શ્રી કે.કે. હાઈસ્કૂલ, સાવરકુંડલા ખાતે ૭૦મો તાલુકા કક્ષાનો અખિલ ભારતીય શાળાકીય રમતોત્સવ ધામધૂમથી સંપન્ન

​વોલીબોલ, ખો-ખો, કબડ્ડી અને એથ્લેટીક્સ જેવી રમતોમાં ખેલાડીઓએ બતાવી કૌશલ્ય અને ખેલદિલી

———————————————————-

​તાલુકા કક્ષાના વિજેતાઓ હવે જિલ્લા કક્ષાએ સાવરકુંડલા તાલુકાનું પ્રતિનિધિત્વ કરશે

​———————————————————-

નૂતન કેળવણી મંડળ સંચાલિત પ્રસિદ્ધ શિક્ષણ ધામ શ્રી કે.કે. હાઈસ્કૂલ, સાવરકુંડલાના યજમાનપદે તાલુકા કક્ષાનો ૭૦મો અખિલ ભારતીય શાળાકીય રમતોત્સવ અત્યંત ઉત્સાહસભર વાતાવરણમાં સફળતાપૂર્વક યોજાઈ ગયો.

​આ રમતોત્સવમાં સાવરકુંડલા તાલુકાની વિવિધ શાળાઓમાંથી અન્ડર-૧૪, અન્ડર-૧૭ અને અન્ડર-૧૯ વયજૂથના ભાઈઓ તથા બહેનોએ મોટી સંખ્યામાં હાજરી આપીને રમતગમત ક્ષેત્રે પોતાનું પ્રદર્શન દાખવ્યું હતું. સ્પર્ધા દરમિયાન વોલીબોલ, ખો-ખો, કબડ્ડી તેમજ એથ્લેટીક્સની વિવિધ ટ્રેક અને ફિલ્ડ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તમામ ખેલાડીઓએ ઉત્કૃષ્ટ રમતકૌશલ્ય, સ્ફૂર્તિ અને ખેલદિલીનું સુંદર પ્રદર્શન કર્યું હતું.

​સ્પર્ધાના અંતે તમામ વિજેતા ખેલાડીઓ તથા ટીમોને શાળા પરિવાર અને ઉપસ્થિત મહાનુભાવો દ્વારા અભિનંદન પાઠવી બિરદાવવામાં આવ્યા હતા. આ તાલુકા કક્ષાની સ્પર્ધામાં ઉત્કૃષ્ટ દેખાવ કરીને પ્રથમ ક્રમાંક મેળવનાર વિજેતા ખેલાડીઓ હવે આગામી સમયમાં યોજાનાર જિલ્લા કક્ષાની શાળાકીય રમતોત્સવ સ્પર્ધામાં સાવરકુંડલા તાલુકાનું પ્રતિનિધિત્વ કરશે, જે શાળા પરિવાર તેમજ સમગ્ર તાલુકા માટે અત્યંત ગૌરવની બાબત છે.

​આ સમગ્ર રમતોત્સવનું આયોજન શ્રી કે.કે. હાઈસ્કૂલના આચાર્ય શ્રી ચેતનકુમાર ગુજરીયાના કુશળ માર્ગદર્શન હેઠળ વ્યાયામ શિક્ષક શ્રી વિપુલ દવે તેમજ શાળાના સમગ્ર શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક સ્ટાફના અનન્ય સહયોગથી સફળતાપૂર્વક પાર પડ્યું હતું.

Related Posts