ગુજરાત

પત્નીએ પતિને પાડોશી સાથે ઊભા રહેવાની ના પાડતાં પાડોશીએ માર મારી

નવાપુરા વિસ્તારમાં રહેતી પરિણીતા પર પડોશમાં રહેતા શખ્સે લાકડી વડે હુમલો કર્યો હતો અને ત્યાર બાદ અન્ય બે શખ્સે પણ માર માર્યો હતો. આ બનાવ અંગે મહિલાની ભત્રીજીએ પોલીસ કંટ્રોલમાં જાણ કરતાં પોલીસે ૩ શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ખારવાવાડ મદનઝાંપા રોડ પર રહેતી સંગીતાબેન ખારવા રવિવારે પતિ સમયસર ઘરે ન આવતાં દીકરા અને ભત્રીજી સાથે સાંજના સમયે બકરાવાડી બાજુ શોધવા નીકળ્યાં હતાં. દરમિયાન તેમનો પતિ સુધીર ખારવા અક્ષય પરમાર સાથે ઊભો હતો. જેથી સંગીતાબેને પતિને કહ્યું હતું કે, તમે અક્ષય સાથે કેમ ઊભા છો. આ વાત અક્ષય સાંભળી ગયો હતો એટલે તેણે સંગીતાબેનને ગમે-તેમ ગાળો આપતાં સંગીતાબેન ગાળો બોલવાની ના પાડતાં અક્ષયે ત્યાં પડેલી લાકડી વડે પરિણીતાને માર માર્યો હતો. જેમાં તેમને કપાળ અને માથાના ભાગમાં ઈજાઓ પહોંચી હતી. ઝઘડો થતાં અક્ષયના મિત્ર રવિ કામલે અને આકાશ પારધી આવી ગયા હતા અને તેઓ પણ સંગીતાબેનને ગાળો આપવા લાગ્યા હતા. દરમિયાન એકઠા થયેલા લોકોએ ઝઘડો શાંત કરાવ્યો હતો. બાદમાં સંગીતાબેન પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી રવિ કામલે, આકાશ પારધી અને અક્ષય પરમાર વિરુદ્ધ નવાપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ઝઘડા દરમિયાન સંગીતાબેનની સોનાની બુટ્ટી પણ પડી ગઈ હતી.

Related Posts