અમરેલી

બગદાણા હુમલાના વિરોધમાં બહોળી સંખ્યામાં ઉમટી પડી  જનમેદની

ન્યાય નહીં મળે તો જલદ આંદોલનની ચીમકી: સમાજના અગ્રણીઓએ ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે મામલતદાર કચેરી ગજવી. 

બગદાણા (તા. મહુવા, જી. ભાવનગર) ખાતે કોળી સમાજના યુવાન નવનીતભાઈ બાળધિયા પર થયેલા જીવલેણ હુમલાના ઘેરા પ્રત્યાઘાત સાવરકુંડલામાં જોવા મળ્યા છે. આજે સાવરકુંડલા શહેર તથા તાલુકા સમસ્ત કોળી સમાજ દ્વારા એકત્રિત થઈને નાયબ કલેક્ટર (પ્રાંત અધિકારી) સાહેબને આવેદન પત્ર પાઠવી આરોપીઓ સામે કડકમાં કડક પગલાં લેવાની માંગ કરી છે.

મુખ્ય માંગણીઓ. હુમલાખોરો સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૦૯ (ખૂનનો પ્રયાસ), ૬૧ (ગુનાહિત કાવતરું) અને ૩૨૪ (મિલકતને નુકસાન) હેઠળ ગુનો નોંધી સજા કરવામાં આવે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયો કયા મોબાઈલથી ઉતારાયા, કોના કહેવાથી ઉતારાયા અને આ આખું કાવતરું કયા સ્થળે રચાયું તેની ઊંડી તપાસ કરવામાં આવે. ગુનામાં સંડોવાયેલા તમામ આરોપીઓ અને જે આરોપીઓની ધરપકડ હજુ બાકી છે તેમને તાત્કાલિક ઝડપી પાડી જેલ હવાલે કરવામાં આવે. આ ગંભીર ગુનાની તપાસમાં જે પોલીસ અધિકારીઓએ બેદરકારી દાખવી હોય તેમને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાની માંગ કરવામાં આવી છે.

આંદોલનની ચેતવણી:

આવેદન પત્રમાં સ્પષ્ટ ચીમકી આપવામાં આવી છે કે જો સમાજની આ ન્યાયિક માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે, તો આવનારા દિવસોમાં કોળી સમાજ દ્વારા ન્યાય માટે અત્યંત ઉગ્ર અને જલદ આંદોલન છેડવામાં આવશે.

આ કાર્યક્રમમાં સાવરકુંડલા શહેર તેમજ તાલુકાના સમસ્ત કોળી સમાજના આગેવાનો 

યુવાનો હજારોની સંખ્યામાં સમાજના ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts