સાવરકુંડલા શહેરના નેસડી રોડથી જૈન બોર્ડિંગ તરફ જતો ‘કાપેલ ધાર’ રસ્તો છેલ્લા ત્રણેક મહિના જેવા સમયથી નવીનીકરણના નામે બંધ હાલતમાં છે. વિકાસની વાતો વચ્ચે આ વિસ્તારના વેપારીઓ માટે આ રસ્તો જાણે આર્થિક પાયમાલીનો માર્ગ બની ગયો છે. ખોદકામ કરીને છોડી દેવાયેલા રસ્તાને કારણે વેપારીઓના ધંધા-રોજગાર સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયા છે.
સામાન્ય રીતે કોઈપણ રસ્તાનું કામ શરૂ કરતા પહેલા ગટર લાઈન, પાણીની પાઈપલાઈન અને કેબલ નેટવર્કનું આગવું મેનેજમેન્ટ હોવું અનિવાર્ય છે. પરંતુ અહીં સ્થિતિ કંઈક અલગ જ છે. રેતી, મજૂર કે મટિરિયલની અછતના બહાના હેઠળ મહિનાઓ સુધી કામ લંબાવવું એ કેટલે અંશે વ્યાજબી છે? શું તંત્ર પાસે આટલા નાના કામ માટે કોઈ ચોક્કસ સમયમર્યાદા (Deadline) નથી?
વેપારીઓ માટે ધંધા રોજગાર શિથિલ હોય ‘ખાવું શું?’ એ મોટો પ્રશ્ન
સ્થાનિક વેપારીઓના જણાવ્યા અનુસાર, રસ્તો બંધ હોવાથી ગ્રાહકોની અવરજવર શૂન્ય જેવી થઈ ગઈ છે. વેપારીઓ સવારે આશા સાથે દુકાને આવે છે, ભગવાનની સેવા-પૂજા અને ધૂપ-દીપ કરે છે, પછી દુકાન વધાવી ઘરે પરત ફરે છે.!! આ દ્રશ્યો વિકાસના માપદંડ નહીં પણ તંત્રની નિષ્ફળતાના પ્રતીક સમાન જ ગણાય. જે વેપારીઓની રોજની આવક પર ઘરનું ગુજરાન ચાલતું હોય, તેમના પરિવારના ભરણપોષણની જવાબદારી કોની?
“વિકાસનો અર્થ અસાધારણ વિલંબ તો ન જ હોઈ શકે. જો નાનકડા રસ્તાના કામમાં આટલો સમય જતો હોય, તો મોટા પ્રોજેક્ટ્સમાં જનતાએ શું અપેક્ષા રાખવી?” – એક પીડિત વેપારી.
અગાઉ મેઈન બજારમાં પણ આવી જ પરિસ્થિતિ સર્જાઈ હતી, જેમાંથી બોધપાઠ લઈને આ કામગીરી ‘યુદ્ધના ધોરણે’ પૂર્ણ કરવાની જરૂર હતી. તેના બદલે કામમાં થતી ઢીલ જનતાની ધીરજની કસોટી કરી રહી છે. સંવેદનશીલ કહેવાતું તંત્ર આ વેપારીઓની વેદના ક્યારે સાંભળશે?એવો સવાલ હવે નિરાશ વદને આ વેપારીઓ કરતાં જોવા મળે છે
સ્થાનિકોની માંગ છે કે ઉચ્ચ અધિકારીઓ આ બાબતે તાત્કાલિક દખલ કરે અને અટકેલી કામગીરીને વેગ આપીને વેપારીઓને ફરી બેઠા કરે.


















Recent Comments