અમરેલી

સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં નવા જીરુંની આવકના  શ્રીગણેશ

સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં આજે સિઝનના નવા જીરુંની ધમાકેદાર આવક સાથે શુકનવંતા શ્રીગણેશ થયા હતા. ચેરમેનશ્રી દીપકભાઈ માલાણી દ્વારા વિધિવત પૂજન અને ખેડૂત-વેપારીઓના મોં મીઠા કરાવીને હરરાજીની શરૂઆત કરવામાં આવી હતી. મુહૂર્તના આ સોદામાં જીરુંના મણદીઠ રૂપિયા ૫૧૮૬ જેવો ઊંચો ભાવ મળતા ખેડૂત આલમમાં ખુશીની લહેર જોવા મળી હતી.

​આજરોજ માલકનેસ ગામના ખેડૂત બચુભાઈ બાબુભાઈ ડાભી પોતાનું નવું જીરું લઈને સાવરકુંડલા યાર્ડ ખાતે આવ્યા હતા. આ માલ ‘મે. વૃજલાલ પોપટલાલ’ પેઢીના કમિશનમાં વેચવા માટે મૂકવામાં આવ્યો હતો. આ પ્રસંગે યાર્ડના ચેરમેનશ્રીના વરદ હસ્તે શાસ્ત્રોક્ત વિધિ મુજબ પૂજન કરવામાં આવ્યું હતું અને શ્રીફળ વધેરીને હરરાજીનો પ્રારંભ કરાયો હતો. ચેરમેનશ્રીએ ઉપસ્થિત ખેડૂતો અને વેપારીઓનું મોં મીઠું કરાવીને સૌને નવી સિઝનની શુભેચ્છા પાઠવી હતી.

​હરરાજી દરમિયાન વેપારીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. વિવિધ વેપારી પેઢીઓ દ્વારા બોલીઓ લગાવવામાં આવી હતી, જેમાં અંતે ‘તકદીર ટ્રેડર્સ’ નામની વેપારી પેઢી દ્વારા રૂપિયા ૫૧૮૬ની સૌથી ઊંચી બોલી બોલીને મુહૂર્તનું જીરું ખરીદવામાં આવ્યું હતું.

​આ પ્રસંગે માર્કેટયાર્ડના ડાયરેક્ટરશ્રીઓ, સ્ટાફગણ તેમજ મોટી સંખ્યામાં વેપારીઓ અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. સિઝનની શરૂઆતમાં જ સારા ભાવ મળતા આગામી દિવસોમાં જીરુંની આવક વધવાની અને ખેડૂતોને પૂરતા ભાવ મળવાની આશા વ્યક્ત કરવામાં આવી છે.

Related Posts