અમરેલી

સાવરકુંડલા શહેરમાં ગિરધરવાવ પાસે આવેલ શ્રી સરસ્વતી વિદ્યા મંદિર ખાતે  ‘ત્રિવેણી સંગમ’ કાર્યક્રમ સંપન્ન

શિક્ષા તણો દીવો જલે, 

જાગૃતિનો સૂરજ ઉગે,

સંગમ થયો એવો અહીં, 

કે જ્ઞાનનું ઝરણું વહે.

​ગ્રાહક બને સાવધ હવે, 

ને શિષ્ય પામે માન પણ,

સંસ્કારની આ વાટમાં, 

સૌ સાથ મળી ડગલાં ભરે.

–“પાંધી સર”

શ્રી સર્વેશ્વર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી સરસ્વતી વિદ્યા મંદિર, ગિરધરવાવ ખાતે તાજેતરમાં ‘ત્રિવેણી સંગમ’ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થી ઇનામ વિતરણ, વિશ્વ ગ્રાહક સુરક્ષા દિનની ઉજવણી અને વાલી મીટિંગ એમ ત્રણ મહત્વના પાસાઓનો સંગમ જોવા મળ્યો હતો.

​કાર્યક્રમની શરૂઆતમાં તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સાવરકુંડલા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી જે. કે. સરવૈયા તથા બીઆરસી શ્રી તુષારભાઈ જાની ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને પોતાના આશીર્વચન દ્વારા વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રેરણા આપી હતી.

વિશ્વ ગ્રાહક સુરક્ષા દિન નિમિત્તે હાજર રહેલા બહોળી સંખ્યામાં વાલીઓને જાગૃત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ શ્રી રમેશભાઈ હિરાણી તથા પત્રકાર શ્રી બીપીનભાઇ પાંધીએ વર્તમાન સમયમાં ગ્રાહક તરીકે રાખવી પડતી સાવચેતીઓ વિશે વિશદ અને તલસ્પર્શી માર્ગદર્શન આપ્યું હતું. ખાસ કરીને ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળથી કેવી રીતે બચવું અને જાગૃત ગ્રાહક બની છેતરપિંડીનો સામનો કઈ રીતે કરવો, તે અંગે વિસ્તૃત માહિતી આપી વાલીઓને સજાગ કર્યા હતા.

​આ સમગ્ર કાર્યક્રમનું કુશળ સંચાલન શાળાના આચાર્યા શ્રી દક્ષાબેન સરવૈયા દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવામાં ટ્રસ્ટીગણ શ્રી ભીખાલાલ આંકોલીયા, શ્રી તુષારભાઈ બગડીયા, શ્રી શૈલેષભાઈ રવૈયા, શ્રી ડી. કે. પટેલ , માર્ગદર્શક શ્રી સંજયભાઈ કામળિયા અને ડાયરેક્ટર શ્રી ભૌતિકભાઈ સુહાગીયાનો અમૂલ્ય સહયોગ પ્રાપ્ત થયો હતો. અંતમાં આચાર્યાશ્રીએ તમામ મહાનુભાવો અને વાલીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

Related Posts