અમરેલી

અમરેલી જિલ્લાના સર્વાંગી વિકાસની નેમ સાકાર થશે : આધુનિક બાયપાસ રોડની ભેટ આપતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ

આજરોજ રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અમરેલીની મુલાકાતે પધાર્યા છે. મુખ્યમંત્રીશ્રીના કરકમળોથી રૂ. ૭૦૦ કરોડથી વધુના ખર્ચે વિવિધ વિકાસ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત – લોકાર્પણ કરવામાં આવ્યું છે.

આ કડીના ભાગરૂપે મુખ્યમંત્રીશ્રીના વરદ્હસ્તે જિલ્લાના સર્વાંગી વિકાસને નવી દિશા આપનાર સૂચિત નવા ૪ લેન ડિવાઈડેડ આધુનિક બાયપાસ રોડ (રાધેશ્યામ ચોકડીથી નાના માચીયાળા સુધી)નું વિધિવત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

આ તકે ઊર્જા રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયા, નિકોલ વિસ્તારના ધારાસભ્ય શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, સાંસદ શ્રી ભરતભાઈ સુતરીયા, ધારાસભ્ય સર્વ શ્રી મહેશભાઈ કસવાલા, શ્રી હિરાભાઈ સોલંકી, શ્રી જે.વી.કાકડીયા, શ્રી જનકભાઈ તળાવિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ હેઠળ નવીન આધુનિક ફોર લેન ડિવાઈડેડ બાયપાસ રોડ રૂ. ૨૭૦ કરોડથી વધુના ખર્ચે આકાર પામશે, આ સુવિધા થકી જિલ્લાનો આર્થિક વિકાસ ઝડપભેર આગળ ધપશે. સૂચિત બાયપાસ થકી બગસરા, બાબરા, લાઠી,સાવરકુંડલા અને અમરેલી શહેરની આસપાસના વિસ્તારોથી શહેર તરફ આવતા હેવી ટ્રાફિકના વાહનોની અવરજવર માટે સરળતા સાથે સુવિધા ઉપલબ્ધ બનશે. માર્ગ સલામતી અને મુસાફરી કાર્યક્ષમતામાં વધારો થશે.

ઉલ્લેખનીય છે કે, ખાતમુહૂર્ત પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું નાના માચીયાળા ગામ અગ્રણી શ્રી વનરાજભાઈ કોઠીવાળ અને સમગ્ર ગામ પરિવાર દ્વારા ઉમળાભેર સ્વાગત કરવામાં હતું.

રાજ્ય સરકાર છેવાડાના માનવી સુધી આધુનિક સુવિધાઓ પહોંચાડવા અને આંતરમાળખું સુદ્રઢ કરવા મક્કમ છે. આ આધુનિક નવીન ફોર લેન બાયપાસ રોડના નિર્માણથી પરિવહન સુવિધા ઝડપી બનવાની સાથે હેવી ટ્રાફિક સમસ્યાનો કાયમી ધોરણે ઉકેલ આવશે.  નાગરિકોના સમય અને ઇંધણની બચત થશે. આ નવીન બાયપાસ રોડ આગામી સમયમાં અમરેલીના આર્થિક અને સામાજિક વિકાસ માટે કરોડરજ્જુ સમાન સાબિત થશે.

અમરેલીના નાના માચીયાળા-રાધેશ્યામ ચોકડી સુધીના નવીન ફોરલેન આધુનિક બાયપાસ રોડના ખાતમુહૂર્ત પ્રસંગે જિલ્લાના પદાધિકારીશ્રીઓ, અમરેલી તાલુકા પંચાયતના પૂર્વ હોદ્દેદાર શ્રી વનરાજભાઈ કોઠીવાળ, રાજસ્વી મહાનુભાવો, જિલ્લા કલેક્ટર શ્રી વિકલ્પ ભારદ્વાજ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી પરિમલ પંડ્યા, જિલ્લા પોલીસ વડા શ્રી સંજય ખરાત, માર્ગ અને મકાન વિભાગ રાજ્યના સૌરાષ્ટ્ર ઝોનના ચીફ ઈજનેરશ્રી ડી.કે.સોલંકી સહિતના અધિકારીશ્રીઓ, બહોળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts