ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય/પેટા ચૂંટણી-એપ્રિલ-૨૦૨૬ કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. આ અન્વયે અમરેલી જિલ્લામાં કુલ ૦૬ નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણી તથા કુલ ૧૧ તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણી યોજાનાર છે. જેનું મતદાન તા. ૨૬.૦૪.૨૦૨૬ના રોજ યોજાશે ઉપરાંત મતગણતરી તા. ૨૮.૦૪.૨૦૨૬ના રોજ યોજાશે.
આદર્શ આચારસંહિતા પાલન કરવાની સૂચના આપવામાં આવેલ હોય આથી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી અમરેલી દ્વારા ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ અન્વયે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
રાજકીય પક્ષો અને ચૂંટણી લડતા ઉમેદવારો તથા તેમના કાર્યકરો ચૂંટણી કામ માટે સરકારી આરામગૃહો, ડાક બંગલાઓ અને વિશ્રામગૃહોનો ઉપયોગ કરી શકશે નહિ. આ આચારસંહિતાનો ચુસ્તપણે અમલ કરવાનો રહેશે.
સમગ્ર જિલ્લામાં સમાવિષ્ટ સરકારી, અર્ધ સરકારી સહિત તમામ આરામગૃહો, ડાક બંગલાઓ, વિશ્રામગૃહો, ફોરેસ્ટ ગેસ્ટ હાઉસ, તથા જાહેરસ્થળો હોય તેવા તમામ ગૃહો કે સ્થળોનો રાજકીય પક્ષોના હોદ્દેદારો-કાર્યકરો, ચૂંટણી લડતા ઉમેદવારો કે તેમના એજન્ટોએ રાજકીય હેતુસર અથવા ચૂંટણી વિષયક પ્રચારના હેતુસર ઉપયોગ કરવો પ્રતિબંધિત છે. રાજકીય પક્ષોના સભ્યોની પ્રાસંગિક મીટીંગને પણ મંજુરી આપી શકાશે નહીં. ચૂંટણી પ્રચારમાં આવેલા જે મહાનુભાવોને સરકારી વિશ્રામગૃહ, અતિથિ ગૃહ વગેરેમાં રહેવા માટે રુમ ફાળવવામાં આવી હોય તે મહાનુભાવોને લાવતા લઈ જતા વાહનને જ સરકારી વિશ્રામગૃહ, અતિથિ ગૃહ વગેરેમાં રાખી શકાશે નહીં. કોઈએક જ વ્યક્તિને ૪૮ કલાકથી વધુ સમય માટે રુમ ફાળવી શકાશે નહીં તેમજ ચૂંટણી પ્રચાર માટે આવતા કોઈપણ મહાનુભાવોને મતદાન પૂરું થવાના ૪૮ કલાક પહેલા વિશ્રામગૃહ, અતિથિ ગૃહ વગેરેમાં રહેવા માટે રુમ ફાળવી શકાશે નહીં તથા અતિથિ ગૃહોમાં પૂરી પાડવામાં આવી હશે તો તેઓની પાસેથી નક્કી કરેલ સામાન્ય દરોએ પૂરેપૂરી વસુલાત લેવાની રહેશે.
આ જાહેરનામાનો અમલ તા. ૩૦.૦૪.૨૦૨૬ સુધી કરવાનો રહેશે. જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ સામે ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ અન્વયે શિક્ષાને પાત્ર રહેશે. હુકમની અમલવારી કરવા તથા ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ મુજબ કાર્યવાહી કરવા માટે અમરેલી જિલ્લાના સંબંધિત ચૂંટણી અધિકારીશ્રીઓ તથા મદદનીશ ચૂંટણી અધિકારીશ્રીઓને અધિકૃત કરવામાં આવે છે.












Recent Comments