ભક્તિ તણો આનંદ માત્ર ઉત્સવમાં ક્યાં છે?
સાચી પ્રભુની પ્રીત તો
માનવ-સેવામાં છે.
વહેંચી દીધું જે અન્ન એ આશીર્વાદ બની ગયું,
બાકી બધું તો અહિંયા માત્ર દેખાડામાં પણ છે.
–” પાંધી સર “
સાવરકુંડલાના પવિત્ર આંગણે તાજેતરમાં શ્રી તાત્કાલિક હનુમાનજી આશ્રમ ખાતે હનુમાન પ્રાગટ્ય મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. હજારો શ્રદ્ધાળુઓએ પ્રસાદ ગ્રહણ કર્યા બાદ, આયોજનમાં વધેલી ખાદ્ય સામગ્રીનો વ્યય અટકાવીને આશ્રમ પરિવારે સમાજ સામે એક નવી કેડી કંડારી છે.
મહોત્સવના અંતે વધેલા મસાલા, કરિયાણું અને અન્ય ખાદ્ય ચીજવસ્તુઓને ફેંકી દેવાને બદલે, આશ્રમના યુવા સ્વયંસેવકોએ તેની વ્યવસ્થિત ‘સેવા કીટ’ તૈયાર કરી હતી. આ સામગ્રી દાતાઓ દ્વારા શ્રદ્ધાપૂર્વક અર્પણ કરવામાં આવી હોય, તેનો એક પણ અંશ બગડે નહીં તેવા ઉમદા હેતુથી આ આયોજન કરાયું હતું.
આ તૈયાર થયેલી કીટ આશ્રમના યુવાનો દ્વારા શહેરના એવા પરિવારો સુધી પહોંચાડવામાં આવી હતી, જ્યાં વૃદ્ધ માતા-પિતા એકલા રહે છે અથવા જેઓ આર્થિક રીતે અત્યંત નબળા છે. આશ્રમ પરિવારના સભ્યોએ જણાવ્યું હતું કે, “સાચી હનુમાન સેવા એ જ છે જે જરૂરિયાતમંદના રસોડા સુધી પહોંચે.” આ સેવાયજ્ઞની સમગ્ર પંથકમાં પ્રશંસા થઈ રહી છે.














Recent Comments