અમરેલી

સાવરકુંડલા તાલુકાના ​થોરડીની અંધવિદ્યાલયમાં ‘બા’ની પુણ્યસ્મૃતિમાં સેવાનો સાદ સેવાના સંસ્મરણો રૂપી જલકુટીર એટલે બાની સ્નેહ નિતરતી અમીધારા

​તરસ્યાના કંઠે જ્યારે રેલાશે                      અમૃતની આ ધારા,

ત્યારે જીવશે હૈયે બા, સદાય                

અસીમ ઉપકાર તમારા

​સેવાની સુવાસ પ્રસરાવી તમે    

ભલે છોડી છે આ દુનિયા,

પરબ બનીને છલકાશે હવે,                    

તમારી મમતા કેરી માયા.

–“પાંધી સર”

​સાવરકુંડલા તાલુકાના થોરડી મુકામે કાર્યરત લોક સેવક સંઘ સંચાલિત શ્રી નિવાસી અંધવિદ્યાલય અને લોકવિદ્યા મંદિરના આદ્ય સ્થાપક દંપતી પૈકી શ્રી કાંતિભાઇ પરસાણાના (કાંતિદાદા) ના ધર્મપત્ની અને સંસ્થાની સાચી ધરોહર સમાન સ્વ. કસુંબાની પુણ્યતિથિ નિમિત્તે સંસ્થા પરિવાર દ્વારા ભાવસભર શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

​આ પવિત્ર અવસરે સંસ્થાના પટાંગણમાં એક વિશેષ પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના શિક્ષકો, સ્ટાફ અને પરિવારજનોએ ઉપસ્થિત રહીને સ્વ. કસુંબા બાના સંસ્મરણો વાગોળ્યા હતા. વક્તાઓએ બાના સેવામય જીવનની સાર્થકતા અને સંસ્થાના ઘડતરમાં તેમના અમૂલ્ય યોગદાનને બિરદાવ્યું હતું. શ્રદ્ધાંજલિ દરમિયાન ઉપસ્થિત સૌની આંખો ભીની થઈ હતી અને વાતાવરણ અત્યંત ભાવુક બની ગયું હતું.

​તરસ્યાની તૃપ્તિ એ જ સાચું તર્પણ ગણાય. 

પુણ્યતિથિના આ સેવામય પ્રસંગે બા અને દાદાના પરિવાર દ્વારા અંધવિદ્યાલયના બાળકો માટે ‘જલકુટીર’ (પાણીનું પરબ) બનાવી આપવામાં આવ્યું હતું. ‘પરબ’ દ્વારા જીવાત્માના તર્પણનો આ એક ઉત્તમ સંયોગ રચાયો હતો. આધુનિક સુવિધા ધરાવતી આ જલકુટીરથી  શાળાના બાળકોને શુદ્ધ પાણીની સુવિધા પ્રાપ્ત થઈ રહી છે . સંસ્થાના આંગણે નિર્મિત આ પરબ બાની  ચિરંજીવી સ્મૃતિ છે.

Related Posts