વર્ષોની જે પ્રતીક્ષા હતી,
તેનો હવે અંજામ આવ્યો છે,
લીલિયાના પથ પર પ્રગતિનો, રૂડો પૈગામ આવ્યો છે.
હવે અટકશે નહીં કોઈ રાહદારી
કે કોઈ એમ્બ્યુલન્સ,
કસવાલાના પ્રયાસોથી જનતાને સુખનો આરામ આવ્યો છે.
–“પાંધી સર”
અમરેલી જિલ્લાના લીલિયા પંથક માટે વિકાસના નવા દ્વાર ખૂલ્યા છે. છેલ્લા પાંચ વર્ષથી રેલવે ફાટકની હાલાકી ભોગવી રહેલી જનતા માટે ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાના પ્રયત્નોથી ₹23.23 કરોડના ખર્ચે બે ભવ્ય અન્ડરપાસ મંજૂર કરવામાં આવ્યા છે. આ પ્રોજેક્ટ સાકાર થતા જ લીલિયા શહેર હવે ‘ફાટક મુક્ત’ બનવાની દિશામાં આગળ વધશે.
લીલિયામાં રેલવે ફાટક નં. 41-C અને 42-B/1 પર ટ્રેનોની અવરજવર સમયે ફાટક બંધ રહેતા સિવિલ હોસ્પિટલ જતા દર્દીઓ, ઇમરજન્સી એમ્બ્યુલન્સ, શાળા-કોલેજના વિદ્યાર્થીઓ અને માર્કેટિંગ યાર્ડ જતા ખેડૂતોને કલાકો સુધી અટવાઈ રહેવું પડતું હતું. ખાસ કરીને સનાળીયા રોડ અને સિવિલ હોસ્પિટલની કનેક્ટિવિટી ખોરવાતી હતી, જેનો હવે કાયમી ઉકેલ આવશે.
આ ઐતિહાસિક સિદ્ધિ બદલ ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ કેન્દ્રીય રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ અને અમરેલીના સાંસદ શ્રી ભરતભાઈ સુતરીયાનો વિશેષ આભાર માન્યો છે. તેમણે જણાવ્યું હતું કે, કેન્દ્ર અને રાજ્ય સરકારના સંકલનથી લીલિયાના સર્વાંગી વિકાસ માટે આ અન્ડરપાસ માઈલસ્ટોન સાબિત થશે.
આ જાહેરાતથી લીલિયા સહિત આસપાસના 24 ગામોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. સ્થાનિક વેપારી મંડળો અને ખેડૂત અગ્રણીઓએ આ નિર્ણયને આવકારી ધારાસભ્યની કાર્યનિષ્ઠાને બિરદાવી છે.
















Recent Comments