અમરેલી

સાવરકુંડલા શહેરમાં ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ છતાં ‘આઇકોનિક રોડ’નું કામ કાગળ પર, તંત્રની ઢીલી નીતિ સામે જનરોષ

​કાગળ ઉપર તો માર્ગ આ                

આઇકોનિક લાગે છે,

પણ નગરના રસ્તા જોતા 

દર્દલોક સ્યંમ જાગે છે.

​ટેન્ડર ભરાયા ને પ્રક્રિયા 

પણ પૂર્ણ થઈ ગઈ છે,

ખબર નથી તંત્ર હવે કોની                            રાહમાં મંગલ પ્રારંભ રોકે છે?

–“પાંધી સર”

સાવરકુંડલા શહેરના વોર્ડ નંબર ૬ માં લાંબા સમયથી મંજૂર થયેલા ‘આઇકોનિક રોડ’ના નિર્માણમાં થઈ રહેલા અસાધારણ વિલંબને કારણે સ્થાનિક રહીશોમાં વ્યાપક રોષ ફાટી નીકળ્યો છે. આશ્ચર્યની વાત એ છે કે ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ હોવા છતાં, હજુ સુધી ટેન્ડર ખોલવા કે વર્ક ઓર્ડર આપવાની તસ્દી લેવામાં આવી નથી. આ ગંભીર મુદ્દે સ્થાનિક નગરપાલિકા સદસ્ય ધર્મેન્દ્ર મહેતાએ ચીફ ઓફિસરને રજૂઆત કરી તંત્રની ઉદાસીનતા સામે સવાલો ઉઠાવ્યા છે.

​સંસ્કાર મંદિરથી માલધારી ચોક અને કપોળ કન્યા છાત્રાલયથી કાણકીયા કોલેજ ગેટ સુધીના માર્ગો હાલમાં અત્યંત ખરાબ હાલતમાં છે. રસ્તા પર પડેલા મોટા ખાડાઓ વાહનચાલકો અને રાહદારીઓ માટે જીવલેણ સાબિત થઈ રહ્યા છે. રહીશો દ્વારા સતત રજૂઆતો કરવામાં આવી રહી છે, પરંતુ પાલિકા તંત્ર કોની રાહ જોઈ રહ્યું છે તે એક મોટો પ્રશ્ન છે.

ધર્મેન્દ્ર મહેતાએ પોતાની રજૂઆતમાં જણાવ્યું હતું કે, જો આગામી ચોમાસા પહેલા આ રસ્તાનું કામ પૂર્ણ કરવામાં નહીં આવે, તો આ વિસ્તારના લોકોની મુશ્કેલીમાં અનેકગણો વધારો થશે. તેમણે માંગ કરી છે કે ટેકનિકલ પ્રક્રિયા તાત્કાલિક પૂર્ણ કરી, વર્ક ઓર્ડર આપીને યુદ્ધના ધોરણે રસ્તાનું કામ શરૂ કરવામાં આવે. હવે જોવાનું એ રહે છે કે આ ધારદાર રજૂઆત બાદ નિંભર તંત્ર ક્યારે જાગે છે.

Related Posts